News of Wednesday, 10th June 2026
પ્રિ-મોન્સુન કામગીરી પ દિવસમાં પૂરી કરોઃ જુનાગઢ કોર્પોરેશન તંત્રને કોંગ્રેસનું અલ્ટીમેટમ
રસ્તા, ગટર, પાણી નિકાલની વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટ સહિતના પ્રશ્નો વરસાદ પહેલા ઉકેલવા વિરોધ પક્ષના નેતા લલિતભાઇ પરસાણા મનોજભાઇ જોશીની કમિશ્નરને રજૂઆત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૧૦, જૂનાગઢ શહેરમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, વરસાદી પાણીના નિકાલ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓની ગંભીર સમસ્યાઓને લઈને શહેર કોંગ્રેસ સમિતિ અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા લલિતભાઈ પરસાણા દ્વારા મહાનગરપાલિકા તંત્રને ૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના આગેવાનો લલિતભાઈ પરસાણા અને મનોજભાઈ જોશી દ્વારા કમિશનરને પાઠવાયેલા વિસ્તળત આવેદનપત્રમાં શહેરના ૧૫ વોર્ડમાં ચાલતી બેદરકારી અને અધૂરી કામગીરી સામે કડક વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આવેદનમાં જણાવાયું છે કે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ ન થતાં હજારો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસે ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓ રસ્તા ખોદકામ બાદ યોગ્ય રીપેરીંગ ન થતાં વાહનચાલકો અને નાગરિકો મુશ્કેલીમાં.
મુખ્ય ભૂગર્ભ ગટરોની સફાઈ અને જાળવણીનો અભાવ.અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ.શહેરના મુખ્ય માર્ગો પર તૂટેલી ગટર ચેમ્બરો અને જોખમી હાલત.સ્ટ્રીટ લાઈટના ખંભાઓમાં ખુલ્લા વાયર અને બંધ લાઈટોથી અકસ્માતનો ભય.
જોશીપરા, ગાંજરડા, ગિરનાર દરવાજા સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ગંભીર સમસ્યા. વર્ષોથી અધૂરા પડેલા રોડ અને પેવરબ્લોકના કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ.
૧ થી ૧૫ વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરોને જવાબદારી સોંપી વોર્ડવાર કામગીરીનો રિપોર્ટ જાહેર કરવાની માંગ.કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, ગટર ઉભરાવા, રસ્તા ધોવાઈ જવા અને ટ્રાફિક અવ્યવસ્થાના પ્ર‘ો ઉભા થાય છે, છતાં મહાનગરપાલિકા દ્વારા સમયસર આયોજન કરવામાં આવતું નથી. જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.
‘‘ ૫ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલન''કોંગ્રેસે ચેતવણી આપી છે કે આવેદનપત્રમાં દર્શાવેલી તમામ કામગીરી આગામી ૫ દિવસમાં શરૂ કરી પૂર્ણ કરવાની દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઘેરાવ અને જનઆંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.
કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શહેરના નાગરિકોની સુરક્ષા અને સુવિધા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી હોય તેવા દરેક લોકશાહી લડતના માર્ગ અપનાવવામાં આવશે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
