<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કેશોદ વિસ્‍તારના લોકો ‘મેઘા'ના મંડાણની રાહમાં

અધિક (જેઠ) માસ ને પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી : શું વિદાય લઈ રહેલ પુરૂષોત્તમ માસ પ્રથમ વરસાદનો સાક્ષી બનશે ?!

( સંજય દેવાણી દ્વારા )  કેશોદ, તા.૧૦: છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ઉદ્દભવેલ અસહ્ય ગરમી, ઉકળાટ, બફારા જેવી સ્‍થિતિ વચ્‍ચે કેશોદ વિસ્‍તારના લોકો ‘‘મેઘા'' ના મંડાણની ચાતક નજરે રાહમાં હોય તેવું જણાઈ રહ્યું છે.

લગભગ છેલ્લા ચારેક માસથી ઉનાળાના આકળા તાપનો સામનો કર્યા બાદ એકાએક આકાશમાં વાદળો નું બંધારણ થવું , તડકા - છાંયા જેવું વાતાવરણ, અચાનક પવનની દિશા અને ગતિ બદલવી, ધૂળની ડમરી ચડવી, ભારે ગરમી, ઉકળાટ અને અસહ્ય બફારો જેવા પરિબળો વાતાવરણમાં ઉદ્દભવેલ છે. ત્‍યારે આ અંગે જાણકારો કહી રહ્યા છે કે છેલ્લા કેટલાક દિવસો થી પલ્‍ટાયેલ વાતાવરણની સ્‍થિતિ જોતા સમયસર વરસાદ ના સંકેતો મળી રહ્યા છે.

સામાન્‍ય લોકોથી માંડી ખેડૂતો સુધી સૌ કોઈ આકાશે મીટ માંડી ચોમાસાના આગમનને વધાવવા આતુર બનેલ છે. કેશોદ વિસ્‍તારમાં અન્‍ય કોઈ મોટા ઉદ્યોગ ન હોય મોટાભાગના લોકો આર્થિક ઉપર્જન માટે માત્ર અને માત્ર કળષિ ઉદ્યોગ પર જ નિર્ભિત હોય આ સ્‍થિતિ વચ્‍ચે ખાસ કરીને વાવણી કરવા ઉત્‍સુક ધરતીપુત્રો (ખેડૂતો) સીઝન ની શરૂઆતથી જ સારો વરસાદ ઈચ્‍છી રહ્યા છે. આ અંગે વાવણી માટે ખેતરો ચોખ્‍ખા કરી ખેડૂતોએ બિયારણ, ખેતી કામ ને લગતા જરૂરી ઓજારો સહિત ના સાધન - સામગ્રી ની ચોમાસુ સીઝન પૂર્વેની આગોતરી તૈયારીઓ કરી લીધેલ છે. આ સંજોગોમાં ખેડૂતો હાલ માત્ર સમયસર ના સારા વરસાદની પ્રતીક્ષા મા છે.

 બીજી તરફ ચોમાસુ સિઝનને લગતી વસ્‍તુઓ વેંચતા વેપારીઓએ સારા વરસાદની આશા સાથે વિવિધ પ્રકારના રેઇન સુટ, ટોપી, અવનવી છત્રી સહિતનો ફુલ સ્‍ટોક કરી લીધેલ છે. ઘરાકી જામવા માટે આ વેપારીઓ વરસાદની રાહ જોઈ ને બેઠા છે.

 આગવી કોઠાસૂઝ ધરાવતા અનુભવી વયોવળદ્ધ ખેડૂતો પોતાના કપાળ ઉપર હાથની છાજલી બનાવી આકાશ પર પોતાની તીણી નજર માંડી વરસાદ અંગે અનુમાનો કરતા જોવા મળી રહ્યા છે. તો કોઈક પવનની દિશા,ગતિ તથા તીવ્રતા ના આધારે જુદી જુદી ધારણાઓ બાંધતા જણાઈ રહ્યા છે.

કેશોદ વિસ્‍તારમાં સારા વર્ષ માટે ચોમાસુ સીઝન દરમિયાન ૩૫ થી ૪૦ ઇંચ જેવા વરસાદની જરૂરત રહે છે. સામાન્‍ય રીતે અહીં ૧૫ થી ૨૦ જૂન આસપાસ ચોમાસુ સિઝનની શરૂઆત થાય છે. આ વિસ્‍તારમાં કોઈ મોટી નદી, ડેમ, તળાવ કે અન્‍ય કોઈ જળસ્ત્રોત ન હોય કળષિ ઉદ્યોગ હોય કે પીવાનો પાણી પ્રશ્ન આ અંગે ચોમાસાના સારા વરસાદ પર જ આધાર રાખવો પડે છે. આ વિસ્‍તારમાં ઉનાળાની શરૂઆતથી પાણીની સ્‍થિતિ તંગ બની જાય છે. જો વરસાદ મોડો થાય તો પાણીની સ્‍થિતિ વધુ વિકટ બને છે.

છેલ્લા બે'ક દિવસથી રાત્રિના સમયે સામાન્‍ય અમી છાંટણા વરસી જાય છે. હાલ વરસાદ પૂર્વે વાતાવરણમાં પ્રવર્તતેલ ઉકળાટ લોકોને અકળાવી રહેલ છે. બફારાના કારણે લોકો રીતસર પરસેવા થી ન્‍હાય રહ્યા છે. આ અસહ્ય સ્‍થિતિ માથી છુટકારો માત્ર સારો વરસાદ જ અપાવી શકે તેમ જણાઈ રહ્યું છે !

હિન્‍દુ કેલેન્‍ડર મુજબ દર ત્રણ વર્ષે એક વર્ષ ૧૩ મહિનાનું આવે છે. જે અધિક અથવા પુરૂસોત્તમ માસ તરીકે ઓળખાય છે. લગભગ છેલ્લા ૨૫ દિવસથી અત્‍યંત ધાર્મિક વાતાવરણ વચ્‍ચે અધિક (જેઠ) માસ ની ઉજવણી થઈ રહેલ છે. જેને પૂર્ણ થવામા હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્‍યારે ધાર્મિક માન્‍યતા ધરાવતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું વિદાય લઈ રહેલ પવિત્ર પુરૂષોત્તમ માસ પ્રવર્તમાન ચોમાસું સિઝનના પ્રથમ વરસાદનો સાક્ષી બનશે?!

(1:20 PM IST)