News of Thursday, 11th June 2026
મોરબી સુરેન્દ્રનગરના ખેડૂતોની લડતને કચ્છનો ટેકો: ૨૦૦ ખેડૂતો ૧૫ જૂને ગાંધીનગરની ટ્રેક્ટર રેલીમાં જોડાશે
ખેડૂતોની માલિકીની જમીનમાં ઘૂસી વીજ કંપનીઓની દાદાગીરીએ કચ્છમાં પણ સર્જ્યો હતો ઉત્પાત, ખેડૂતોની કહેવાતી સરકારમાં ખેડૂતો જ લાચાર છે, જ્યારે તંત્ર વીજ કંપનીઓની સાથે, હાઈટેન્શન વીજ લાઈન ખેતી માટે જોખમી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : ખેડૂતોની માલિકીની જમીનમાં બળજબરીપૂર્વક ઘૂસી વીજ કંપનીઓ મહાકાય વીજ ટાવરો અને ૭૬૫ કેવીની હેવી વીજલાઈન નાખે છે. જેની સામે મોરબી અને સુરેન્દનગરમાં ભારે આક્રોશ સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કચ્છના ભચાઉ વાંઢિયા અને ભુજના લોડાઈ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં તંત્ર અને પોલીસ કાફલા સાથે હાઇટેન્શન વીજ લાઈન નાખી ખેડૂતો સામે બળજબરી કરાઈ હતી. વળતર આપ્યા વગર ભવિષ્યમાં ખેતી માટે જોખમી એવી વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ રેલી, ઉગ્ર રજૂઆતો સાથે રસ્તા રોકો આંદોલન કર્યું ત્યારે વહીવટીતંત્રએ કામ બંધ કરવા જણાવ્યું.
હવે કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ગાંધીનગર સુધીની રાજ્ય વ્યાપી મહારેલીનું આયોજન મોરબી અને સુરેન્દનગરના ખેડૂતો કરી રહ્યા છે ત્યારે કચ્છના ખેડૂતો પણ એ રેલીમાં જોડાશે. ૧૫ મી જૂને કચ્છના ૨૦૦ ખેડૂતો ટ્રેક્ટર લઈ મહારેલી સાથે ગાંધીનગર વિરોધ પ્રદર્શન કરશે.
કચ્છમાં અદાણી, રિલાયન્સ અને પાવરગ્રીડ દ્વારા ફળદ્રુપ ખેતીની જમીનમાં વીજ લાઇનો મહાકાય વીજ ટાવરો નાખે છે જેની વિરુદ્ધ ખેડૂતોની ભારે ફરિયાદ છે. ખેડૂતોની માંગ છે કે સરકારી જમીનમાંથી આ વીજલાઈનો પસાર કરો. ખેતી ને થઈ રહેલ ભારે નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
