News of Thursday, 11th June 2026
કચ્છના વરસામેડીમાં બાઈક ઉપર પેશાબ કરવાના મુદ્દે યુવાનની કરપીણ હત્યા : આરોપી ઝડપાયો
અંજાર તાલુકાના વરસામેડી ગામની બાપુ કોલોનીમાં પડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, અંજાર પોલીસે આરોપી અરવિંદ ચમારની ધરપકડ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા. 11 : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવાનની કરપીણ હત્યા થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. બાઈક ઉપર પેશાબ કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વરસામેડી ગામની બાપુ કોલોનીમાં રહેતા સંજયસિંગ પપ્પુસિંગ ગોડ નામના યુવાને તેના પડોશી અરવિંદકુમાર કિશોરરામ ચમારની બાઇક ઉપર પેશાબ કર્યો હતો. આ બાબતની જાણ થતા બંને પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા અરવિંદકુમાર ચમારે આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે સંજયસિંગ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીએ સંજયસિંગને ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સંજયસિંગનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા જ અંજાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના આ બનાવ સંદર્ભે અંજાર પોલીસે તાત્કાલિક પગલાં ભરી ગણતરીના કલાકોમાં જ આરોપી અરવિંદકુમાર કિશોરરામ ચમારને ઝડપી પાડ્યો હતો.
સામાન્ય બાબતમાં થયેલી હત્યાની આ ઘટનાથી સમગ્ર વરસામેડી ગામ સહિત પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
