News of Thursday, 11th June 2026
મહુવાના નાભાદ્રોડ ગેઈટ પાસે વિજ ટ્રાન્સફોર્મરમાં ભયાનક ધડાકા: જુઓ વિડિયો
મેમણ કોલોની નજીક આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી, સ્થાનિકોમાં ફફડાટ, વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા.૧૧: મહુવા શહેરના નાભાદ્રોડ ગેઈટ પાસે આવેલી મેમણ કોલોની નજીક મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં આજે સાંજે અચાનક ભયાનક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ધડાકા એટલા જોરદાર હતા કે દિવાળીમાં ફટાકડાની આતશબાજી થાય તેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સાંજના સમયે અચાનક ટ્રાન્સફોર્મરમાંથી તણખા ઝરવા લાગ્યા હતા અને જોતજોતામાં મોટા ધડાકા સાથે આગ લાગી હતી. સતત થતા ધડાકાભેર અવાજ અને ચારેબાજુ ઉડતા તણખાને કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા જ સમગ્ર મેમણ કોલોની સહિત આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ તંત્રને જાણ કરવામાં આવતા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ધડાકાના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પ્રાથમિક તબક્કે ઓવરલોડ અથવા ટેક્રિકલ ખામીને કારણે ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકોએ ચોમાસા પહેલા વીજ તંત્ર દ્વારા જર્જરિત વાયરો અને ટ્રાન્સફોર્મરનું યોગ્ય ચેકિંગ કરવામાં આવે તેવી માંગ કરી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
