<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઉપલેટાના કુંઢેચ ગામમાં ગુરુ-શિષ્‍યના સંબંધને લાંછનઃ પાંચ માસૂમ બાળકીઓ પર દુષ્‍કર્મ આચરનાર શિક્ષક પોક્‍સો હેઠળ ઝડપાયો

પાટણવાવ પોલીસે આરોપી શિક્ષક દેવાણંદ બેરાને ગણતરીના કલાકોમાં દબોચ્‍યો, ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ, સમગ્ર પંથકમાં રોષની લાગણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૧:  કુંઢેચ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતી અંદાજે ૬ વર્ષની પાંચ માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષક દેવાણંદ બેરા લાંબા સમયથી અઘટિત કળત્‍ય આચરતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્‍યા છે. જ્‍યાં બાળકોને શિક્ષણ, સંસ્‍કાર અને સુરક્ષા મળવી જોઈએ તે જ શાળા પરિસર બાળકીઓ માટે ભયનું કેન્‍દ્ર બની ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાની જાણ થતા ભોગ બનનાર બાળકીઓના માતા-પિતાએ પાટણવાવ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ ધોરાજીના ડેપ્‍યુટી એસપી સિમરન ભારદ્વાજની સૂચનાથી પાટણવાવ પોલીસ તાત્‍કાલિક હરકતમાં આવી હતી અને આરોપી દેવાણંદ બેરાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધો હતો.

પોલીસે આરોપી સામે પોક્‍સો એક્‍ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર સગીરાઓ, તેમના માતા-પિતા તેમજ સાક્ષીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ પોક્‍સોની કલમ હેઠળ ઝડપાયેલો આરોપી દિવ્‍યાંગ હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

આ ઘટનાએ માત્ર કુંઢેચ જ નહીં પરંતુ સમગ્ર ઉપલેટા પંથકને હચમચાવી દીધો છે. શિક્ષક જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્‍યક્‍તિ દ્વારા માસૂમ બાળકીઓ સાથે થયેલા કથિત દુષ્‍કર્મના આક્ષેપોને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્‍યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.

શિક્ષણના મંદિરને કલંકિત કરી માસૂમ બાળકીઓના બાળપણ સાથે ચેડાં કરવાના ગંભીર આરોપમાં ઝડપાયેલા આ શિક્ષક સામે હવે કાયદો કેટલો કડક પ્રહાર કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હાલ પાટણવાવ પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

(11:29 AM IST)