<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ધ્રાંગધ્રાના પુનિતનગરમાં જૂની અદાવતમાં યુવક પર ૫ શખ્‍સોના ઘાતક હુમલા બાદ અમદાવાદમાં મોત થતા બનાવ હત્‍યામાં પલટાયો

ઈકો કારમાં ધસી આવી તીક્ષ્ણ હથિયારોથી માથા-શરીર પર ઘા ઝીંકયા, ૭ હજારની લૂંટ ચલાવી, ખાલિદ મકરાણી સહિત પાંચેય આરોપી સામે હત્‍યાની કલમ ઉમેરાઈ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૧: ધ્રાંગધ્રા શહેરના પુનિતનગર વિસ્‍તારમાં ૧ જૂનના રોજ મોડી રાત્રે થયેલી મારામારી અને લૂંટની ઘટના હવે હત્‍યામાં પરિણમી છે. પાંચ શખ્‍સોએ કરેલા ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું અમદાવાદ ખાતે દસ દિવસની સારવાર દરમિયાન મોત નિપજતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પુનિતનગરના રહેવાસી સકલીન ઉર્ફે કાલી ફિરોઝભાઈ બેલીમ પર જૂની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્‍યો હતો. ૧ જૂનની મોડી રાત્રે ખાલિદ ઉર્ફે ખાલિયો સલીમભાઈ મકરાણી, અનિષભાઈ અકબરભાઈ મકરાણી, મોશીન ઉર્ફે વોર્નર ઉસ્‍માનભાઈ સુમરા, ફૈઝલ ફિરોઝભાઈ પઠાણ અને પિન્‍ટુ ગુલાબભાઈ મકરાણી સહિતના પાંચ શખ્‍સો ઈકો કારમાં સકલીનના ઘરે ધસી આવ્‍યા હતા.

આ શખ્‍સોએ આવતા વેંત સકલીન ઉર્ફે કાલી પર ઘાતક હથિયારો વડે તૂટી પડ્‍યા હતા. આરોપીઓએ યુવકના માથા અને શરીરના અન્‍ય ભાગો પર ઉપરાછાપરી ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ યુવકના ખિસ્‍સામાંથી સાત હજાર રૂપિયા રોકડાની લૂંટ પણ ચલાવી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલા સકલીનને તાત્‍કાલિક સુરેન્‍દ્રનગરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં તેની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્‍યો હતો. અમદાવાદની હોસ્‍પિટલમાં દસ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્‍યા બાદ આખરે સકલીન ઉર્ફે કાલી ફિરોઝભાઈ બેલીમનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું.

યુવકના મોત સાથે જ પોલીસે આ સમગ્ર કેસમાં અગાઉ નોંધાયેલા મારામારી અને લૂંટના ગુનામાં હત્‍યાની કલમનો ઉમેરો કરી દીધો છે. ધ્રાંગધ્રા પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્‍યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવથી પુનિતનગર વિસ્‍તારમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે

(11:34 AM IST)