<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

જામનગરની સાયચા ગેંગના ત્રણ શખ્‍સોની વિશેષ તપાસ માટે ગુજસીટોકના કેસમાં આઠ દિવસની રિમાન્‍ડ મંજૂર

રાજકોટ, તા.૧૧: જામનગર શહેરની કુખ્‍યાત સાયચા ગેંગૅ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્‍ડ ઓર્ગેનાઈઝ્‍ડ ક્રાઈમ એક્‍ટ (ગુજસીટોક) હેઠળ ૧૧ શખ્‍સો સામે ગુનો નોંધી સાત શખ્‍સોની ધરપકડ કરી જ્‍યારે જેલમાં રહેલા ત્રણ શખ્‍સોની ટ્રાન્‍સફર વોરંટના આધારે કબજો મેળવી વિશેષ તપાસ માટે રિમાન્‍ડની માંગ સાથે રાજકોટની સ્‍પેશિયલ અદાલતમાં રજૂ કરતા અદાલતે આઠ દિવસના રિમાન્‍ડ મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ જામનગર શહેર અને આસપાસના વિસ્‍તારોમાં આતંક મચાવતી કુખ્‍યાત એજાજ ઉમર સાયચા અને રજાક નુરમામદ સાયચાની સાયચા ગેંગ સામે ૪૨ જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. આ તમામ કેસોના આધારે સાયચા ગેંગના ૧૧ શખ્‍સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી પોલીસે ગુલામ સાયચા, મહેબુબ સાયચા, અસગર સાયચા, હનીફ સાયચા, ઇમ્‍તિયાઝ સાયચા અને રજાક ઉર્ફે રજાક સોપારી સહિત સાત આરોપીની ધરપકડ કરી હતી. ગેંગના નેટવર્ક, આર્થિક વ્‍યવહારો અને અન્‍ય ગુનાહિત કડીઓની પણ ડાણપૂર્વક તપાસ માટે જેલ હવાલે રહેલા બસીર જુસબભાઇ સાયચા, સિંકદર નુરમામદભાઇ સાયચા અને રજાક નુરમામદભાઇ સાયચાનો જેલમાંથી ટ્રાન્‍સફર વોરંટના આધારે કબજો મેળવી તપાસનીશ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા ત્રણેય આરોપીની રિમાન્‍ડની માંગ સાથે રાજકોટની અદાલતમાં રજુ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે સ્‍પેશિયલ પીપી તુષારભાઈ ગોકાણી દ્વારા કરવામાં આવેલી દલીલો અને પોલીસના વિગતવાર રજૂ કરાયેલું સોગંદનામુ ધ્‍યાને લઈ અદાલતે તા.૧૮ જૂન સુધી રિમાન્‍ડ મંજૂર કર્યા  છે

(3:21 PM IST)