<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

જામનગરની ઐતિહાસિક ‘પ્રગતિ પથ યાત્રા’માં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા જોડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સાકાર થયેલ વૈશ્વિક સંસ્થા ITRAની મુલાકાત લઈ મંત્રીએ ઝીણવટભરી માહિતી મેળવી:‘વિકસિત ભારત-૨૦૪૭’ના નિર્માણમાં આયુર્વેદ અને યોગનું અનેરું મહત્વ-મંત્રી રિવાબા જાડેજા

જામનગર:ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ તા. ૦૮ થી તા. ૧૪ જૂન દરમિયાન ‘પ્રગતિ પથ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

   આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી રિવાબા જાડેજાએ જામનગર સ્થિત વિશ્વવિખ્યાત આયુર્વેદ સંસ્થા ITRA (Institute of Teaching and Research in Ayurveda) ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ આ સંસ્થાના મહત્વ અને તેની વિશેષતાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. તેમણે ITRA ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ સંસ્થાના ઉત્થાનમાં રહેલા અભૂતપૂર્વ યોગદાનની ગાથા અને સફર રજૂ કરતી વિશેષ ઝાંખી નિહાળી હતી. આ સાથે જ તેમણે સમગ્ર પરિસરની મુલાકાત લઈ ITRA દ્વારા પૂરી પાડવામાં આવતી જનકલ્યાણલક્ષી સેવાઓ તથા અત્યાધુનિક સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન ITRA ના ડાયરેક્ટર તનુજા નેશ્રી દ્વારા મંત્રીને સંસ્થાની શૈક્ષણિક અને ચિકિત્સા પદ્ધતિઓ અંગેની તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવામાં આવી હતી. મંત્રીએ સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલય, મ્યુઝિયમ અને રમત-ગમત સંકુલની પણ ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આયુર્વેદ થકી જામનગરને વૈશ્વિક ક્ષેત્રે એક અનોખી ઓળખ મળી છે. આયુર્વેદના પ્રણેતા ઝંડુ ભટ્ટજી પણ જામનગરની ધરતીના સપૂત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગરને GCTM (Global Centre for Traditional Medicine) અને ITRA જેવી વૈશ્વિક કક્ષાની ભેટ આપી છે. આજે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આયુર્વેદનું જ્ઞાન મેળવવા અને આપણા ભવ્ય વારસા તથા સંસ્કૃતિને સમજવા આવે છે, જે સમગ્ર જામનગર માટે ગૌરવની બાબત છે.
મંત્રીએ આયુર્વેદની અસરકારક સારવાર પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપતા દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવામાં આપણું યોગ અને આયુર્વેદ વિજ્ઞાન ખૂબ જ મહત્વનું અને નિર્ણાયક યોગદાન આપી શકે તેમ છે.
આ યાત્રા અને મુલાકાત પ્રસંગે જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, દંડક પ્રવિણાબેન, શાસક પક્ષના નેતા અમર મોદી, નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(9:19 PM IST)