<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

ચોટીલા પોલીસ સ્‍ટેશનના PI, PSI સહિત ચાર પોલીસકર્મીઓ સસ્‍પેન્‍ડ

વિઝિલન્‍સના દરોડામાં કેમિકલ જથ્‍થો મળ્‍યા બાદ ચોટીલા પોલીસની શંકાસ્‍પદ ભૂમિકા, ફરજમાં બેદરકારી બદલ ઉચ્‍ચ અધિકારીઓની કડક કાર્યવાહી, પોલીસ તંત્રમાં ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૨:ચોટીલા પોલીસ સ્‍ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. અને અન્‍ય બે પોલીસકર્મીઓ સહિત કુલ ચાર પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી અને ગંભીર આક્ષેપોના પગલે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા લેવાયેલા આ કડક પગલાથી પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.

 બે દિવસ પહેલા મોલડી હાઈવે પર આવેલી એક હોટલ પર વિઝિલન્‍સ ટીમે આકસ્‍મિક દરોડા પાડ્‍યા હતા. આ દરોડા દરમિયાન હોટલમાંથી કેમિકલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ સમગ્ર મામલામાં ચોટીલા પોલીસની ભૂમિકા શંકાસ્‍પદ જણાતા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે સ્‍થાનિક પોલીસ દ્વારા હોટલમાંથી કેમિકલનો જથ્‍થો ઝડપાયો હોવા છતાં પૂરતી કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્‍યા હતા. આ ગંભીર બેદરકારીને ધ્‍યાનમાં રાખીને ઉચ્‍ચ અધિકારીઓએ તાત્‍કાલિક સસ્‍પેન્‍શનના આદેશ જારી કર્યા છે.

હાલમાં આ અંગે પોલીસ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સામે લેવાયેલા આ પગલાથી પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે કડક વલણ અપનાવવામાં આવ્‍યું હોવાનો સ્‍પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્‍યો છે.

(1:28 PM IST)