News of Friday, 12th June 2026
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : 100 કિલો ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા : હજારો ભક્તો ઉમટ્યા
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને શ્રી વિવેકસાગરસ્વામીના માર્ગદર્શન હેઠળ દિવ્ય સંધ્યા મહાઆરતી : સમગ્ર સાળંગપુરધામ આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું

રાજકોટ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન યોજાયું હતું. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને શ્રી વિવેકસાગરસ્વામીના માર્ગદર્શન હેઠળ આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વિશેષ શણગાર અને પૂજા અર્પણ કરવામાં આવી હતી.
સવારે 5:45 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા તથા પર્પલ જાંબલી ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારી સ્વામી દ્વારા મંગલા આરતી કર્યા બાદ હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સાંજે 5:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર સાથે ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વગેરે ધરાવવામાં આવ્યા હતા અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા પર ફૂલની વર્ષા કરવામાં આવી હતી.
સાંજે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની દિવ્ય સંધ્યા મહાઆરતી કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સંતોએ તમામ ભક્તો પર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના આશીર્વાદ અને કૃપા સદાય બની રહે તેવી મંગલ પ્રાર્થના કરી હતી.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય તેને રાજોપચાર પૂજા કહે છે. શાસ્ત્રોમાં પારંગત હનુમાનજી મહારાજને રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ સમર્પિત થાય છે. ત્યારબાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનનું હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. રાજાને સંગીત-નૃત્ય ગમે તે મુજબ હનુમાનજી મહારાજ સામે શાસ્ત્રીય સંગીત સહિત વિવિધ સાધનો વડે સંગીત રજૂ કરી પ્રસન્ન કરવામાં આવે છે.
સમગ્ર સાળંગપુરધામ આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી
મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
