<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ધર્મ કરતા ધાડ પડી : મિતાણા ઓવરબ્રીજ પાસે ઝગડામાં વચ્‍ચે પડેલા વેપારીની ગાડીને નુકસાન પહોંચાડી બેફામ ગાળો આપી પોલીસની ધાક સામે પશ્‍નાર્થ?

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ તા.૧૩:  રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્‍યાં અન્‍ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્‍યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્‍યું છે. ઉશ્‍કેરાયેલા ફોરચ્‍યુનર ચાલકે વેપારીને ઢીકાપાટુનો માર મારી, પોતાની કાર બેફામ ગતિએ રીવર્સમાં ચલાવી વેપારીની મોંઘીદાટ ઇલેક્‍ટ્રિક કારમાં ભટકાડી દઈ મોટું નુકસાન પહોંચાડ્‍યું હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.

 મળતી માહિતી મુજબ, મૂળ ઘુંટુ ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલા ‘ગોલ્‍ડન એલીટા' (બહુચર માતાજીના મંદિર પાછળ) ખાતે રહેતા અને વેપાર કરતા દિપકભાઇ દેવજીભાઈ વિરપરીયા (ઉ.વ.૪૩) મિતાણા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર એક ફોરચ્‍યુનર કાર (રજીસ્‍ટર નંબર: GJ-૩૬-AP-૨૭૨૮) નો ચાલક અન્‍ય એક વાહન ચાલક સાથે રસ્‍તા વચ્‍ચે ઝઘડો કરી રહ્યો હતો.

 દિપકભાઇએ વાહન સાઇડમાં રાખીને મામલો થાળે પાડવા માટે ફોરચ્‍યુનર ચાલકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમાધાન કરાવવાની આ કોશિશ ભારે પડી હતી. આરોપી ચાલક એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અને તેણે વેપારીને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

વાત આટલેથી ન અટકતા, ફોરચ્‍યુનરના ચાલકે દીપકભાઈના મોઢાના ભાગે ઢીકા મારીને શારીરિક હુમલો કર્યો હતો. ત્‍યારબાદ તેણે પોતાના હવાલા વાળી ફોરચ્‍યુનર કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે રીવર્સમાં ચલાવી દીપકભાઈની મહીન્‍દ્રા કંપનીની કિંમતી ‘બી.ઇ.સિક્‍સ' (BE.૬) ઇલેક્‍ટ્રીક કાર (રજીસ્‍ટર નંબર: GJ-૩૬-AR-૨૦૬૧) ના આગળના ભાગે જોરદાર ભટકાડી દીધી હતી. આ અકસ્‍માતને કારણે વેપારીની ઇલેક્‍ટ્રિક કારના આગળના બોનેટના ભાગે મોટું નુકસાન થયું હતું. ઘટનાને અંજામ આપ્‍યા બાદ આરોપી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્‍યાંથી નાસી છૂટયો હતો.

 આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારી દિપકભાઇ વિરપરીયાએ ફોરચ્‍યુનર કારના ચાલક વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્‍ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે વેપારીની ફરિયાદના આધારે હુમલો કરવા, તોડફોડ કરવા તથા ધમકી આપવા બદલ ગુનો નોંધી આરોપી ચાલકને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરતું આ ધટના થી એટલુ સાબિત થાય છે કે ધર્મ કરતા ધાડ પડી અને પોલીસ ની ધાક ઓસરી એ નરી વાસ્‍તવિકતા બતાવે છે.

(1:14 PM IST)