<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

સાવરકુંડલા પાલિકાની સામાન્‍ય સભામાં વિપક્ષનો પ્રચંડ હોબાળોઃ બહુમતીના જોરે મનમાની અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ૧૧ સભ્‍યોનો વિરોધ

પારદર્શક વહીવટ કરવા ની વાતો કરવા વાળા..ઠરાવો કેમ છુપાવો છો? સામાન્‍ય સભામાં ઠરાવોનું વાંચન કે નકલો કેમ અપાતી નથી?: કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતાનો સત્તાધીશોને : આકરો સવાલઃ ગટરની ગંભીર સમસ્‍યા, ફાયર સ્‍ટેશનનું સ્‍થળ અને રોજમદારોના પૂરા પગાર મુદ્દે વિપક્ષના કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતા એ શાસકોને રજુઆત કરી હતી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૩: નગરપાલિકાની સામાન્‍ય સભા શાસક પક્ષની મનમાની અને વિપક્ષના પ્રચંડ વિરોધ સાથે મળી  હતી. સભામાં બહુમતીના જોરે લેવાતા નિર્ણયો અને શાસકોની જોહુકમી સામે વિપક્ષના ૧૧ સભ્‍યોએ મુદ્દા નંબર ૧/૨ માં ઉગ્ર વિરોધ નોંધાવી શાસક પક્ષની મનમાની સામે આડે હાથ લીધા હતા . નગરપાલિકાના સદસ્‍ય ધર્મેન્‍દ્ર મહેતાએ જનહિત અને વહીવટી ક્ષતિઓને ઉજાગર કરતા ૪ મહત્‍વના પ્રશ્નો ઉઠાવ્‍યા હતા

કોર્પોરેટર ધર્મેન્‍દ્ર મહેતાએ સામાન્‍ય સભામાં મુખ્‍યત્‍વે નીચે મુજબના જનહિતના મુદ્દાઓ પર ધારદાર રજૂઆતો કરી હતી.

સાવરકુંડલાના ગર્લ્‍સ સ્‍કૂલ વાળા મેઇન રોડ પર છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવવાની ગંભીર સમસ્‍યા છે. સદસ્‍યશ્રીએ આક્રોશ સાથે જણાવ્‍યું કે, ‘‘જ્‍યારે પણ ફરિયાદ કરીએ ત્‍યારે તંત્ર માત્ર જેટીંગ મશીન મોકલી સંતોષ માની લે છે, પરંતુ બે-ત્રણ દિવસમાં ગટર ફરી ઉભરાય છે. આ ક્ષણિક લિપાપોતી બંધ કરી જનતાને હાલાકીમાંથી મુક્‍ત કરવા ગટરનો કાયમી ઉકેલ લાવવામાં આવે.''

મોડલ ફાયર સ્‍ટેશન માટે મહુવા રોડ પર બારોબાર જગ્‍યા નક્કી કરી લેવાના સત્તાધીશોના નિર્ણય સામે વિરોધ નોંધાવતા તેમણે જણાવ્‍યું કે, ‘‘અધ્‍યક્ષશ્રી અને ચીફ ઓફિસરશ્રી, ફાયર સ્‍ટેશન જેવી ઇમરજન્‍સી સેવા ગામની વચ્‍ચે હોવી જોઈએ જેથી શહેરમાં ગમે ત્‍યાં આગ લાગે ત્‍યારે ફાયર ફાઇટર ઝડપથી પહોંચી શકે.'' આમ છતાં, શાસકોએ જનહિત છોડી બહુમતીના જોરે પોતાનું ધાર્યું જ કર્યું હતું.

નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓના શોષણ સામે અવાજ ઉઠાવતા તેમણે માંગ કરી કે, ‘‘સરકારશ્રીએ પરિપત્રમાં જાહેર કર્યા મુજબ જ રોજમદારોને પૂરો પગાર ચૂકવવામાં આવે.'' પરંતુ સત્તાના નશામાં ચૂર શાસકોએ ગરીબ કર્મચારીઓની આ ન્‍યાયિક માંગ પર પણ ધ્‍યાન આપ્‍યું નહોતું.

સૌથી મોટો અને ગંભીર આક્ષેપ કરતા ધર્મેન્‍દ્ર મહેતાએ જણાવ્‍યું કે, ‘‘જો નગરપાલિકામાં પારદર્શક વહીવટ ચાલતો હોય, તો સામાન્‍ય સભામાં અધ્‍યક્ષ દ્વારા કરવામાં આવેલા ઠરાવોનું વાંચન કેમ કરવામાં આવતું નથી? સદસ્‍યોને ઠરાવની નકલો કેમ આપવામાં આવતી નથી? સત્તાધીશો ખોટા નિર્ણયો અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે જ ઠરાવો સભ્‍યોથી મનસ્‍વી રીતે છુપાવી રહ્યા છે.''

‘‘બહુમતીના જોરે જનવિરોધી અને શંકાસ્‍પદ મુદ્દાઓ પાસ કરી દેવાની આ નીતિ લોકશાહીનું ખૂન છે. ભ્રષ્ટાચાર આચરવા માટે જ સભ્‍યોને ઠરાવો વંચાવવામાં કે નકલો આપવામાં આવતી નથી.''

આ સામાન્‍ય સભામાં સત્તાધારી પક્ષ દ્વારા માત્ર બહુમતીના જોરે જનવિરોધી એજન્‍ડા પાસ કરી દેવામાં આવતા વિપક્ષના તમામ ૧૧ સભ્‍યોએ એકસૂરે આ મનમાની સામે ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલાની જનતાના હકની લડાઈ લડવાનો સંકલ્‍પ જાહેર કર્યો છે

(10:48 AM IST)