<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ચોમાસુ હજુ મુંબઇ પહોંચ્‍યુ નથી

મુંબઇમાં મોન્‍સુન એન્‍ટર થયા બાદ સૌરાષ્‍ટ્રમાં અઠવાડીયામાં શરૂ થવાનો વર્ષો જુનો સીરસ્‍તો રહ્યો છે

 

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. કેરળમાં એક ને બદલે ચાર તારીખે નૈઋત્‍યનું ચોમાસુ થોડું મોડું શરૂ થયા બાદ તેની ગતિ અને તિવ્રતા પ્રમાણમાં તે જ અને મજબુત હતી.

તે સમયગાળામાં આઇએમડીના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સ ગુજરાતમાં ૧૪-૧પ-૧૬ જુને ભારેથી અતિભારે રેડ કલર વોર્નિંગ સ્‍વરૂપનો વરસાદ જોવા મળતો હતો.

અને એજ મુજબ હવામાન નિષ્‍ણાંતો તેનું એનાલીસીસ કરી આગાહી દર્શાવી રહ્યા હતા પણ આ તો કુદરત તેની સામે વિજ્ઞાન વામણુ જ હોય છે. મોડેલ મેપ્‍સમાં બાદમાં પરીવર્તનો જોવા મળ્‍યા. ત્‍યાં સુધી કે હાલ મુંબઇ સુધી પણ ચોમાસુ પહોંચ્‍યુ નથી. મુંબઇમાં શરૂ થયા બાદ સાધારણ સ્‍વરૂપે અઠવાડીયામાં ચોમાસાનું ધમાધમ સ્‍વરૂપ સૌરાષ્‍ટ્રમાં આકાર લઇ લેતુ હોય છે.

છેલ્લા બે દિ'થી સૌરાષ્‍ટ્રમાં મોડી સવાર સુધી પવનો-વાદળોના સંક્રમણે એવુ જ અનુભવાય કે હવે આ સખ્‍ત ગરમી-બફારામાં રાહત આપતો વરસાદ આજકાલમાં જ વરસી પડશે. જો કે બપોર થતા જ સ્‍વચ્‍છ આકાશે આકરા તાપનું રૌદ્ર સ્‍વરૂપ યથાવત જોવા મળી રહ્યું છે.

જેવી રીતે શરૂમાં ગુજરાતમાં વહેલું ચોમાસુ આવવાની આશા બંધાઇ હતી. પણ ચોમાસુ ધીમુ-શુષ્‍ક-નબળી ગતિએ આગળ ધપી રહ્યા છે. તેમાં પણ કુદરત છે કે, બદલાવ અચાનક આવી પણ શકે.

(11:17 AM IST)