<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભગવાનનું નામ અનાયાસે લો તો પણ મુકિત મળી જાયઃ જીજ્ઞેશદાદા ‘રાધે રાધે'

દ્વારકામાં ચગ પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉમટતા ભાવિકો

 (વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૩: દ્વારકામા ચગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથાકાર પૂજ્‍ય જિગ્નેશદાદા ‘રાધે રાધે'એ શ્રોતાઓને જીવનના મર્મો સમજાવ્‍યા હતા. કથા દરમિયાન તેમણે ક્રોધ, શંકા, લોભ અને ભક્‍તિના સાચા સ્‍વરૂપ પર ઊંડા વિચારો રજૂ કર્યા હતા. જિગ્નેશદાદાએ કહ્યું કે ક્રોધ ઉપર તમે સંયમ રાખી શકો, પણ એને શાંત ન કરી શકો. ગમે એટલો શાંત માણસ હોય, એને પણ ક્રોધ આવે જ, એમાં સંશય નથી. જગતમાં ઝેર પીનારા સૌ શંકર નથી હોતા, ઉપરથી દેખાતાં સારા એ અંદરથી સારા નથી હોતા.

શંકા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તમને એક વાર શંકા થઈ જાય પછી એનું કોઈ નિવારણ જ નથી. કદાચ સમાધાન પણ થઈ જાય તો એ શંકાનો કાંટો તો હંમેશા હૃદયમાં વાગ્‍યા જ કરે છે.

આજના માણસના સ્‍વભાવ પર કટાક્ષ કરતાં દાદાએ કહ્યું કે માણસ જ્‍યાં લોભ કરવાનો છે ત્‍યાં હાથ છોડીને પૈસા વાપરે છે અને જ્‍યાં હાથછોડીને વાપરવાનો છે ત્‍યાં લોભ કરે છે. એ કયાંક હરવા-ફરવા જાય તો સારામાં સારી વસ્‍તુ ફરે છે, પણ જ્‍યારે ભગવાન માટે કંઈ લેવું હોય તો કહે છે કે સસ્‍તું આપો. પૂજાપો લેવા જાય તો કહે કે પૂજાની સોપારી આપો વગેરે. ટીવી જોવા બેસો તો તરસ-ભૂખ નથી લાગતી, પણ જ્‍યારે ભગવાનની માળા ફેરવવા બેસો તો પંખો ચાલુ નથી કર્યો એવું બધું જ યાદ આવે છે.

ભગવાનના નામની મહિમા સમજાવતાં દાદાએ કહ્યું કે ભગવાનનું નામ અનાયાસે લો તો પણ મુક્‍તિ મળી જતી હોય, તો વિચાર કરો કે ભક્‍તિ પૂર્વક લીધું હોય તો શું ન મળે? ભગવાન કહે છે કે જો કોઈ માણસ સારામા બુદ્ધિ અર્પણ કરીને પોતાનું કર્મ કરે છે તો એ માણસ સંસારમાં બંધાતો નથી. સંગના મહત્‍વ પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે આ સંસારમાં કોઈ જન્‍મથી બગડેલું નથી હોતું, એ સંગથી જ બગડે છે. ગાયના આંચળમાંથી નીકળેલું દૂધ બગડેલું હોતું જ નથી, પણ જ્‍યારે છાશનો સંગ થાય ત્‍યારે બગડે છે. આપણે ગુરુ-ભગવાનને બધાંને માનીએ છીએ, પણ એમનું કહેલું માનતા નથી.

જિગ્નેશદાદાએ કહ્યું કે જેટલા મંદિર નિર્માણ થાય એ ખૂબ સારી વાત છે, પણ એના કરતાં વધારે મંદિરમાં જવા વાળો વર્ગ તૈયાર થવાની જરૂર છે. સત્‍સંગમાં જાઓ તો દંભ ન કરશો, સહજ-સરળ બનીને જાઓ. દરેક જીવ પ્રત્‍યે દયા ભાવ હોવો જોઈએ, પણ એ દયા આસક્‍તિમાં પરિવર્તિત ન થાય એનું ધ્‍યાન રાખજો કારણ કે એ આસક્‍તિ જ તમને અધોગતિ આપશે. આનું   પ્રત્‍યક્ષ ઉદાહરણ જડ ભરતની કથા છે

લગ્નમાં બેન્‍ડ-ડીજેને મોં માંગી કિંમત આપો છો, તો યાદ રાખજો કે જે તમને આશીર્વાદ આપવા આવે છે એ બ્રાહ્મ ણોને કદી નિરાશ ન કરતાં. તમે સોની દુકાને ભાવ નથી કરાવતા, સોની પૈસા પહેલાં જ લઈ લે, પણ એક માત્ર બ્રાહ્મ ણો એવા છે કે આખો યજ્ઞ-પૂજા કરાવીને પછી બંધ કવરમાં મળતી દક્ષિણા લઈને ચાલ્‍યા જાય છે. મારી વ્‍યાસપીઠથી પ્રાર્થના છે કે જેની જે કિંમત થવી જોઈએ એ થવી જોઈએ. કથાના અંતે ઉપસ્‍થિત હરિભક્‍તોએ ‘રાધે રાધે'ના જયઘોષ સાથે દાદાના ઉપદેશને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.  (તસ્‍વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(11:34 AM IST)