<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

લડેંગે... જીતેંગે... જેતપરથી સોમવારે ગાંધીનગર સુધીની ખેડૂતોની ટ્રેકટર રેલી

મોરબી તાલુકાના જેતપરમાં ખેડૂતોને ન્‍યાય આપોઃ જીજ્ઞેશ મેવાણી, પાલભાઇ આંબલીયા સહિતનાએ ભાજપ સરકારને આડે હાથ લીધી

મોરબી : ઉપવાસ છાવણીની મુલાકાતે જીજ્ઞેશ મેવાણી, પાલભાઇ આંબલીયા સહિતના આવ્‍યા હતા. અને સમર્થન આપ્‍યુ હતું. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૩: જેતપર ગામે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા પ્રતીક ઉપવાસની છાવણીની આજે ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, પંકજ રાણસરિયા, મનોજ પનારા સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. ત્‍યારે ખેડૂતોને સંબોધિત કરતા જીજ્ઞેશ મેવાણીએ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્યોગપતિઓની તરફેણ અને ખેડૂતોની થતી અવગણના મુદ્દે સરકારને આડે હાથે લીધી હતી.

જીગ્નેશ મેવાણીએ જણાવ્‍યું હતું કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પાસે ૭.૫ લાખ કરોડની સંપત્તિ છે. બે ગુજરાતીઓ પાસે ૧૫ લાખ કરોડ છે, જ્‍યારે બીજી બાજુ આપણા ૩૫ ટકા બાળકો કુપોષિત છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા અને શ્રમિકોને પૂરતું વેતન નથી મળતું. આઉટર્સોસિંગ અને કોન્‍ટ્રાક્‍ટ પ્રથામાં આશા વર્કર, આંગણવાડીની બહેનો, સફાઈ કામદાર અને પંચાયતના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. તેમણે સરકારી હોસ્‍પિટલોની દુર્દશા વર્ણવતા કહ્યું હતું કે તાલુકાની હોસ્‍પિટલોમાં MRI કે સિટી સ્‍કેનતો દૂર, લોહીના પરીક્ષણ માટેના મશીનો પણ ઉપલબ્‍ધ નથી.

મોંઘવારી મુદ્દે પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગેસનો બાટલો જે ૪૦૦ રૂપિયામાં મળતો હતો તે આજે ૧૦૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે.

પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલથી લઈને બાળકોનું ભણતર, આરોગ્‍ય અને ખેતીના સાધનો (ખાતર, દવા, બિયારણ) મોંઘા થઈ ગયા છે. ૨૦૧૪ માં ખેડૂતોની જે આવક હતી તે વધી નથી, પરંતુ ખેતીનો ખર્ચ ૪ ગણો વધી ગયો છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય જેણે સરદાર પટેલનું નામ ભૂંસીને સ્‍ટેડિયમ પર પોતાનું નામ લગાવી દીધું હોય. આ સાથે તેમણે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જીગ્નેશ મેવાણીએ ખેડૂતોને સવાલ કર્યો હતો કે શું આ આંદોલનમાં બજરંગ દળ, વિશ્વ હિન્‍દુ પરિષદ કે આરએસએસના લોકો સમર્થનમાં આવ્‍યા છે? તેમણે કહ્યું કે આ લોકો માત્ર હિન્‍દુ-મુસ્‍લિમના નામે રાજનીતિ કરે છે. અસલી મુદ્દાઓ મોંઘવારી અને રોજગારી છે. કબીર અને રવિદાસ જેવા સંતોના ઉદાહરણો આપીને તેમણે કહ્યું કે સાચો ધર્મ માણસાઈ અને પીડિતોની પડખે ઊભા રહેવામાં છે, ભાગલા પાડવામાં નહીં. આ ઉપરાંત તેઓએ ડાયરા અને કથાના કલાકારો સામે પણ કટાક્ષ કર્યો હતો કે તેઓ પણ ખેડૂતોના સમર્થનમાં આવ્‍યા નહિ.

અંતમાં જીગ્નેશ મેવાણીએ ખેડૂતોને વીજળીના થાંભલા નાખવાની કામગીરી અટકાવવા અને યોગ્‍ય વળતર ન મળે ત્‍યાં સુધી પીછેહઠ ન કરવા અપીલ કરી હતી. તેમણે ૧૫ જૂનના રોજ તમામ લોકોને, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ટ્રેક્‍ટર લઈને ગાંધીનગર પહોંચવા આહ્વાન કર્યું છે. ‘લડેંગે, જીતેંગે' ના નારા સાથે તેમણે આ લડતને તેજ બનાવવાનો નિર્દેશ આપ્‍યો હતો.

મંત્રી કાંતિભાઈએ પુરા પ્રયાસો કર્યા પણ કંપની ટસની મસ થતી નથી

કારાભાઈ અમળતિયાએ વધુમાં જણાવ્‍યું કે, આ પ્રશ્નના ઉકેલ માટે સ્‍થાનિક સ્‍તરે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે. આ ગામના જ અને હાલના મંત્રી કાંતિલાલ અમળતિયાએ પણ આ મામલે મધ્‍યસ્‍થી કરી હતી. તેમણે કલેક્‍ટર, એસપી અને કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરાવીને ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. જો કે, કંપનીના અડિયલ વલણને કારણે ખેડૂતોની અપેક્ષા મુજબનો કોઈ યોગ્‍ય ઉકેલ આવી શકયો નથી.

કારાભાઈ અમળતિયાએ જણાવ્‍યું કે હાલમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને જેતપર ગામના બસ સ્‍ટેન્‍ડ પાસે છાવણી નાખી પ્રતિક ઉપવાસ પર બેઠા છે, જેમાં મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત ૧૫ જૂને ગાંધીનગર ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજાનાર છે. તેમાં પણ મોટી સંખ્‍યામાં ગામના ખેડૂતો જોડાશે.

(11:38 AM IST)