<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

કેશોદ પાલિકાની ચાલુ માસમાં બીજી વખત ૧૯મીએ સભા

પ્રમુખે સત્તા સંભાળ્‍યાના માત્ર ૨૨ દિવસમાં પુનઃ બીજી વખત જનરલ બોર્ડ બોલાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા : કહેવાય છે કે, ૨ જૂનની પ્રથમ બેઠક વખતે જિલ્લા ભાજપ તરફથી નામની યાદી નહીં આવતા ફરી વખત કમિટી-સમિતિઓની રચના માટે ખાસ બેઠક બોલાવવાની ફરજ પડીઃ કોને કયું સ્‍થાન મળશે તે તરફ સૌની મીટ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૩: ચાલુ માસમાં બીજી વખત આગામી તારીખ ૧૯ ના રોજ કેશોદ નગરપાલિકા ની સામાન્‍ય સભા યોજાનાર હોવાનું જાણવા મળેલ છે. ભાજપના પાલિકા પ્રમુખ દ્વારા ગત તારીખ ૧૦ ના રોજ એક એજન્‍ડા ઇસ્‍યુ કરી બેઠક અંગે સદસ્‍યોને જાણ કરવામાં આવેલ છે.

સ્‍થાનિક પાલિકામાં પ્રમુખે તાજેતરની સામાન્‍ય ચુંટણી બાદ સત્તાનુ સુકાન સંભાળ્‍યા ના માત્ર ૨૨ દિવસમાં જ પુનઃ બીજી વખત જનરલ બોર્ડ ની બેઠક માટે એજન્‍ડા બહાર પાડતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનેલ છે.

આ અંગે સ્‍થાનિક પાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડીયાએ ગત તારીખ ૧૦ જૂનના રોજ એક એજન્‍ડા બહાર પાડી આગામી તારીખ ૧૯ ને શુક્રવાર ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે કેશોદ નગરપાલિકા કચેરી (સરદાર ભવન) ના સભા ખંડમાં મુખ્‍યત્‍વે ચાર જેટલા મુદ્દા અંગે ચર્ચા અને નિર્ણય કરવા માટે સામાન્‍ય સભા ની બેઠક રાખવામાં આવેલ હોય જેમાં દરેક સદસ્‍યો એ સમયસર ઉપસ્‍થિત રહેવા જણાવેલ છે.

આ બેઠક મા (૧) ગત તારીખ ૨/૬/૨૦૨૬ ના રોજ મળેલ સામાન્‍ય સભાને બહાલી આપવી (૨) કેશોદ નગરપાલિકાની જુદી જુદી કમિટી - સમિતિઓ ની રચના કરવી (૩) જુદી જુદી શાખાઓ તરફથી આવેલ રિપોર્ટ વંચાણે લઈ નિર્ણય કરવો, તેમજ (૪) પ્રમુખ સ્‍થાનેથી રજૂ થાય તે અંગેની કાર્ય સૂચી મુખ્‍યત્‍વે રહેશે.

ગત તારીખ ૧૯ મે ના રોજ કેશોદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી બાદ પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક મળેલ હતી. જેમાં ભાજપના મહિલા પ્રમુખે સત્તા સંભાળ્‍યા બાદ તેમના નેતળત્‍વમાં પ્રથમ સામાન્‍ય સભા ગત તારીખ ૨ જૂન ના રોજ મળેલ હતી. આ બેઠક યોજાયા ના ૧૭ દિવસ બાદ ફરી એક વખત આગામી તારીખ ૧૯ ના રોજ જનરલ બોર્ડ ની મીટીંગ બોલાવવામાં આવેલ છે.

તારીખ ૧૯ ના રોજ મળનાર સામાન્‍ય સભા ની બેઠક અંગે સ્‍થાનિક પાલિકા ના તમામ ૩૬ સભ્‍યો ઉપરાંત કમિશનરશ્રી, મ્‍યુનિસિપાલટીએડમિનિસ્‍ટ્રેશન ની કચેરી, ગાંધીનગર, પ્રદેશ કમિશનરશ્રી, (નગરપાલિકાઓ- ભાવનગર ઝોન) ભાવનગર, ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકા - કેશોદ સહિત લાગતા વળગતા સંબંધિતોને એજન્‍ડા ની બજવણી કરી સત્તાવાર રીતે જાણ કરી દેવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે, ગત તારીખ ૧૯ મે ના રોજ કેશોદ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક મળેલ હતી. જેમાં ભાજપના મહિલા પ્રમુખે સત્તા સંભાળ્‍યાના ૧૪ દિવસ બાદ તેમના નેતળત્‍વમાં પ્રથમ સામાન્‍ય સભા ગત તારીખ ૨ જૂન ના રોજ મળેલ હતી. આ બેઠક યોજાયાના ૧૭ દિવસ બાદ ફરી એક વખત આગામી તારીખ ૧૯ ના રોજ જનરલ બોર્ડની મીટીંગ બોલાવામાં આવેલ છે.

 કહેવાય છે કે, સ્‍થાનિક નગરપાલિકા ની જુદી જુદી શાખાઓ ની કમિટી અને સમિતિઓ ની વહેચણી કરવા માટે પ્રમુખે એક મહિનામાં બીજી વખત ખાસ બેઠક બોલાવવા ની ફરજ પડેલ છે. આ કમિટી સમિતિઓમાં કોને કયું સ્‍થાન આપવું તે અંગેની સૂચના સદસ્‍યો ના નામ જોગ જિલ્લા ભાજપ તરફથી મળતી હોય છે. ગત તારીખ ૨ ના રોજ મળેલ સામાન્‍ય સભા ના એજન્‍ડામાં એક મુદ્દો પાલિકાની કમિટી સમિતિઓ ની રચના કરવા અંગેનો હતો પરંતુ કોઈપણ કારણોસર જિલ્લા કક્ષાએથી નામ જાહેર નહીં થતા ( નામ ની યાદીનું કવર નહીં આવતા) કમિટી સમિતી ઓ ની રચના થઈ શકેલ ન હતી. પરિણામે આ અંગે લોકોમાં અનેક તર્ક - વિતર્ક પ્રવર્ત પહેલા હતા.

આ સ્‍થિતિ વચ્‍ચે આગામી સમયમાં મળનાર સામાન્‍ય સભાની બેઠકમાં કોને કઈ કમિટી માં સ્‍થાન મળે છે તે તરફ સૌ કોઈની મિટ મંડાયલ છે

(1:07 PM IST)