<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વેરાવળ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું : વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણની અનોખી મિસાલ એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયેલા વિકાસકાર્યો : રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર

જનસામાન્ય પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રતિક એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યકાળ : સાંસદ રાજેશભાઈ ચુડાસમા : સામૂહિક શપથ થકી સ્વચ્છતાનો સંકલ્પ લેતાં પ્રબુદ્ધ નાગરિકો અને મહાનુભાવો : ગીર સોમનાથ જિલ્લાના વિકાસલક્ષી ઉપક્રમો અને વિવિધ યોજનાઓની પ્રદર્શની નિહાળતાં મહાનુભાવો

ગીર સોમનાથ તા.૧૩ : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે વેરાવળના ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

           આ તકે રાજ્યસભાના સાંસદ  માનસિંહભાઈ પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ

૨૬ મે ૨૦૧૪ના રોજ દેશની શાસનધુરા સંભાળી હતી ત્યારથી તેઓ મા ભારતીની સેવામાં પ્રવૃત્ત રહ્યાં છે. એ આપણા માટે પરમ સૌભાગ્યની વાત છે.

               વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણની અનોખી મિસાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાયમ કરી છે. ઉજ્જવલા યોજના, જનધન યોજના જેવી અનેક યોજનાઓ દ્વારા સામાન્ય માણસને પણ લાભ મળે તે માટે તેઓ સતત કાર્ય કરતા રહ્યાં છે.

          વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ જન્મભૂમિ સહિતના પવિત્ર તીર્થોનો વિકાસ કરીને સાંસ્કૃતિક ધરોહરને સ્થાપિત કરી છે. દેશને ત્રાસવાદમુક્ત, નક્સલવાદમુક્ત શાસન વ્યવસ્થા આપી છે. આપણો દેશ પરમ વૈભવના શિખરે પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્યરત રહે તે માટે તેમના દીર્ઘાયુષ્ય માટે આપણે પ્રાર્થના કરીએ એ આજના સમય માટે પ્રસ્તુત છે. તેમ તેમણે જણાવ્યું હતું.

સાંસદ  રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન

નરેન્દ્રભાઈ મોદી પ્રધાનસેવક તરીકે સૌથી વધુ દિવસ સુધી રહેવાનો વિક્રમ સ્થાપ્યો છે. જે તેમની જનસામાન્ય પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રતિક છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાંબો સમય સુધી અથાગ તપસ્યા કરતાં જનતા જનાર્દનની સેવામાં પ્રવૃત્ત રહ્યાં છે. લોકોની વચ્ચે રહી લોકોના પ્રચંડ જનસમર્થન સાથે દેશની સેવા કરી છે.

વર્ષ ૨૦૧૪ પહેલાની આપણા દેશની સ્થિતિ અને આજની સ્થિતિમાં જે નોંધપાત્ર ફેરફાર થયો છે. તે લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર મૂકેલા વિશ્વાસના કારણે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ, યુવાનો, કિસાનો, વંચિતો અને પીડિતો માટે પાયારૂપ કાર્ય કર્યું છે.

આ સંમેલનમાં સ્વાગત પ્રવચન કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં છેલ્લા ૧૨ વર્ષમાં દેશે નેત્રદીપક વિકાસ કર્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જે પરિવર્તન કે બદલાવ આવ્યો છે, તેને જન સામાન્ય સુધી પહોંચાડવા માટે આજે 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના ઝડપી અને મજબૂત વિકાસ માટે સક્ષમ નેતૃત્વ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ અને સફળ નેતૃત્વમાં ભારતે 'જનધન યોજના', 'ડિજિટલ ઇન્ડિયા', 'મેક ઇન ઇન્ડિયા', 'વોકલ ફોર લોકલ' જેવા અભિયાન દ્વારા દેશને વિકાસની દિશામાં અગ્રેસર કર્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અગ્રણી  ભાવનાબહેન હીરપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન જ્યારે પણ દેશહિતમાં કઠોર નિર્ણય લેવાની જરૂરિયાત ઉભી થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ

 પોતાની કૂનેહનો પરચો આપ્યો છે. મુશ્કેલ સમયમાં લેવાયેલા ખરા નિર્ણયથી જ દેશની પ્રગતિની અને વિકાસની દિશા નક્કી થાય છે અને આ નિર્ણયો જ દેશને ખરા અર્થમાં મજબૂત બનાવે છે.

મહાનુભાવોએ છેલ્લા ૧૨ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સ્માર્ટ સિટી, વંદે ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, હર ઘર જલ, પીએમ આવાસ, સેમિકંડક્ટર, 'લોકલ ફોર વોકલ', 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી', સુગમ ડિજિટલ પોર્ટલ સહિતની સેવાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મ અને જિલ્લાના વિકાસલક્ષી ઉપક્રમો અને વિવિધ યોજનાઓની માહિતી રજૂ કરતી પ્રદર્શની નિહાળી હતી.

આ તકે, પ્રાંત અધિકારી  જે.વી.કાકડિયાએ આભારવિધિ કરી હતી.

'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'માં જિલ્લા પંચાયત પ્રમુખ  દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય  ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ  નરેશભાઈ ગોહેલ, નિવાસી અધિક કલેક્ટર  રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  યોગેશ જોશી તેમજ અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, અનિલભાઇ જેઠવા, વિશાલભાઈ વોરા સહિત સંગઠનના સભ્યો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(1:35 PM IST)