<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ગુજરાતમાં ચોમાસાની એન્‍ટ્રી નજીકઃ ૨૩થી ૨૭ જૂન દરમિયાન સૌરાષ્‍ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શકયતા

મુંબઈમાં ૨૦ જૂન આસપાસ ચોમાસાનુ આગમનઃ ૨૭ જૂનથી ૫ જુલાઈ સુધી સૌરાષ્‍ટ્રભરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાનઃ સાવરકુંડલા તાલુકાના વાશિયાળી ગામના વજુભાઈ બારૈયાની આગાહી

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા.૧૩: હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયા, ગામ વાશિયાળી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીએ મોડેલ આધારિત આગાહી કરી છે કે ચોમાસુ હવે ફરી ચક્રવાતી બનશે. દક્ષિણ મહારાષ્‍ટ્રમાં મહેમાન બનીને આવેલું ચોમાસુ હવે આગળ વધશે.

તા. ૨૦ જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસાનું આગમન થવાની શકયતા છે. તા.૨૩ જૂનથી ૨૭ જૂન આ સમયગાળા દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા એટલે કે સિમિત વિસ્‍તારોમાં વાવણી લાયક વરસાદની એન્‍ટ્રી થશે. 

ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લો,દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, વડોદરા, ડાંગ, દાહોદ, પંચમહાલ સહિત અન્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

તા.૨૭ જૂનથી ૫ જુલાઈના સમયગાળા દરમિયાન સૌરાષ્‍ટ્રભરમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, સુરેન્‍દ્રનગર, રાજકોટ, જામનગર ,સાથે દક્ષિણ-મધ્‍ય ગુજરાતમાં પણ વાવણી લાયક વરસાદની શકયતા રહેલી છે.

ખેતી કામ કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આગાહી મોડેલ આધારિત છે. એક-બે દિવસ આગળ-પાછળ થઈ શકે છે. વાવણીની તૈયારી કરતા પહેલા સ્‍થાનિક વાદળ અને વાતાવરણનું નિરીક્ષણ કરવું. ચોમાસા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. જો ફેરફાર થશે તો તાત્‍કાલિક જાણ કરવામાં આવશે. આ આગાહી હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી છે.

(2:38 PM IST)