હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂનાગઢમા રૂ. 67.93 કરોડના ખર્ચે બનનાર સાબલપુર-ધોરાજી રેલવે ઓવરબ્રિજનું મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે ખાતમુહૂર્ત : ધોરાજી-જૂનાગઢનો ટ્રાફિક જામ હવે ઇતિહાસ બનશે
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર શહેરનો બીજો મોટો ઓવરબ્રિજ વાહનવ્યવહાર સુગમ બનાવશે : નાગરિકોના સમય-ઇંધણની બચત થશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ :જૂનાગઢ શહેરના ટ્રાફિક પ્રશ્નના કાયમી નિરાકરણ તરફ એક મહત્વનું પગલું ભરાયું છે. ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે જૂનાગઢમાં રૂ. 67.93 કરોડના ખર્ચે નિર્માણ થનાર સાબલપુર ચોકડી ટુ ધોરાજી રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આ ઓવરબ્રિજનું નિર્માણ થતાં જૂનાગઢ શહેરના પ્રવેશદ્વાર સમા સાબલપુર ચોકડીનો ટ્રાફિક પ્રશ્ન હલ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધોરાજી તરફથી આવતો આ માર્ગ સાબલપુર અને જૂનાગઢ વિસ્તારને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો છે. અગાઉ રેલવે ફાટક બંધ થવાના કારણે અહીં વાહનચાલકોને અવારનવાર ભારે ટ્રાફિક જામ અને લાંબી કતારોની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ઓવરબ્રિજ કાર્યરત થયા બાદ ધોરાજીથી જૂનાગઢ વચ્ચેની વાહન વ્યવહારની પ્રક્રિયા સંપૂર્ણપણે સુગમ બનશે. રેલવે ફાટકને કારણે થતી રાહ જોવાની સમસ્યા દૂર થતાં નાગરિકોના કિંમતી સમય અને ઇંધણની મોટી બચત થશે.જૂનાગઢ શહેરમાં આ બીજો મોટો ઓવરબ્રિજ આકાર પામી રહ્યો છે. આધુનિક બ્રિજ શહેરની ભૌગોલિક અને આધુનિક ઓળખમાં નોંધપાત્ર વધારો કરશે. સાથે જ અહીં વસતા તમામ નાગરિકોની સુખાકારી અને રોજિંદી સુવિધાને વધુ ઉન્નત બનાવશે.આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
