હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"રોટલી કમ્પ્યુટરમાંથી ડાઉનલોડ નહીં થાય, ખેડૂતોનું ઋણ ચૂકવો": વીજ કંપનીઓ સામે મોરબીના ખેડૂતોના આક્રોશ વચ્ચે કિસાન કોંગ્રેસની ગુજરાતભરના લોકોને અનોખી અપીલ
ખેતરોમાં ગેરકાયદે વીજપૉલ ઉભા કરવાના વિરોધમાં ૧૩ થી ૧૫ જૂન સુધી ‘ટ્રેક્ટર યાત્રા’: ખેડૂતોના સમર્થનમાં ઘરમાં ૩ દિવસ અખંડ દીવો પ્રગટાવવા પાલભાઈ આંબલિયાની ભાવુક હાકલ

મોરબી : ગુજરાતના સ્થાપત્ય અને ઉદ્યોગ નગરી ગણાતા મોરબી પંથકમાં અત્યારે કાયદો-વ્યવસ્થા અને ખેડૂતોના હક્કોને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની લેખિત સંમતિ વિના અને કોઈપણ પ્રકારનું યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ઘૂસીને બળજબરીપૂર્વક હાઈટેન્શન વીજપૉલ (વીજળીના થાંભલા) ઉભા કરવાની કામગીરી સામે જગતના તાતમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા હવે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ મેદાને આવી છે અને તેમણે આ લડતને જન-આંદોલન બનાવવા માટે સમગ્ર ગુજરાતની જનતાને ખુલ્લું સમર્થન આપવા હાકલ કરી છે.
આ લડત અંગે મીડિયાને વિગતો આપતા કિસાન કોંગ્રેસના આક્રમક નેતા પાલભાઈ આંબલિયાએ અત્યંત ભાવુક અને તીખો સૂર આલાપ્યો હતો. તેમણે સરકાર અને વહીવટીતંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે, "ખેડૂત રાત-દિવસ લોહી-પરસેવો પાડે છે, ત્યારે દેશના સામાન્ય નાગરિકોની થાળીમાં અનાજનો દાણો આવે છે. લોકોએ એ યાદ રાખવું પડશે કે જો ખેડૂતો નહીં હોય, તો ખાવાની રોટલી ક્યારેય કમ્પ્યુટરમાંથી ડાઉનલોડ નહીં થાય! આજે અફસોસની વાત એ છે કે જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, પોલીસને આગળ ધરીને એ જ ખેડૂતોનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની પોલીસ વીજ કંપનીઓના ઈશારે ખેડૂત બહેનોને રસ્તા પર ઢસડી રહી છે અને તેમના પર લાઠીચાર્જ કરી રહી છે, જે સાંખી લેવાય નહીં."
ન્યાય માટે ૩ દિવસ અખંડ દીવો અને ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ
ખેડૂતો પર થઈ રહેલા આ કથિત દમનના વિરોધમાં અને સરકાર સુધી પોતાની વેદના પહોંચાડવા માટે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ૧૩ જૂનથી ૧૫ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં ભવ્ય 'ટ્રેક્ટર યાત્રા' અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. પાલભાઈ આંબલિયાએ ગુજરાતના પ્રત્યેક નાગરિકને આ અનોખા આંદોલનમાં ભાગીદાર બનવા માટે ત્રણ સરળ વિકલ્પો આપ્યા છે:
• પહેલો વિકલ્પ: જો શક્ય હોય તો, ખેડૂતોની આ ન્યાય યાત્રા અને રેલીઓમાં પ્રત્યક્ષ રીતે જોડાવો.
• બીજો વિકલ્પ: જો રેલીમાં જોડાવું શક્ય ન હોય, તો સોશિયલ મીડિયા પર ખેડૂતોના સમર્થનમાં બોલીને કે લખીને પોતાના વીડિયો પોસ્ટ કરો.
• ત્રીજો વિકલ્પ (અનોખી અપીલ): જો તમે ઘરમાંથી બહાર ન નીકળી શકો, તો ૧૩ થી ૧૫ જૂન સુધી તમારા ઘરની કોઈ પવિત્ર જગ્યાએ ખેડૂતોના સમર્થનમાં એક "અખંડ દીવો" પ્રગટાવો.
"જો અનાજ ખાધું છે, તો ખેડૂતનું ઋણ ૧૦૦ ટકા ચૂકવશો"
પાલભાઈ આંબલિયાએ પોતે પણ દીવો પ્રગટાવતો એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે, "આ લડાઈને બળ મળે અને અંધ આંધળી સરકારને સદ્દબુદ્ધિ મળે તે માટે હું આ દીવડો પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જગતના તાતને ન્યાય મળે." તેમણે ઉમેર્યું કે ગુજરાતના તમામ ભાઈઓ-બહેનો ૧૩ અને ૧૪ તારીખે સાંજે દીવો પ્રગટાવીને સોશિયલ મીડિયા પર વીડિયો મૂકે એવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. દેશના દરેક નાગરિકે જો અનાજ ખાધું છે, તો તેમણે ખેડૂતનું આ ઋણ ૧૦૦ ટકા ચૂકવવું જ પડશે. 'જય જવાન, જય કિસાન, જય જગત'ના નારા સાથે આ આંદોલન હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
