તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 13th June 2026
સાળંગપુરધામમાં પુરુષોત્તમ માસની દિવ્ય હેલી: દાદાના સુવર્ણ શણગાર સાથે ધરાવાયો ભવ્ય અન્નકૂટ, શ્રદ્ધાળુઓનું ઉમટ્યું અભૂતપૂર્વ ઘોડાપૂર
પવિત્ર અધિક જેઠ માસ નિમિત્તે કષ્ટભંજન દેવને સોનાના દિવ્ય વાઘા અને અલંકારો સુશોભિત કરાયા: ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા બે સુવર્ણ હસ્ત-કળશ, પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞની ધૂમ

સાળંગપુર : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચાયો છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે સાળંગપુરધામમાં ધર્મ અને રાષ્ટ્રભાવના સાગરમાં હરિભક્તો હિલોળા લઈ રહ્યા છે. શનિવારના પવિત્ર દિવસે દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું અને દાદાની મંગળા આરતીનો લાભ લઈ હજારો શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
આ પવિત્ર પુરુષોત્તમ માસના વિશેષ અવસરે પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અત્યંત અદભુત અને અલૌકિક એવા સુવર્ણ જડિત દિવ્ય વાઘા તેમજ કિંમતી અલંકારો ધારણ કરાવવામાં આવ્યા હતા. આ મહોત્સવની ભવ્યતા વધારવા માટે મંદિરના મુખ્ય ગર્ભગૃહને અદ્ભુત હસ્તકલાના પ્રતીક સમાન બે સુવર્ણ કળશથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સોનાની આભા વચ્ચે ચમકતા હનુમાનજી દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
૫૬ ભોગનો અન્નકૂટ અને દિવ્ય આરતીનો લહાવો
અધિક માસની ઉજવણીના ભાગરૂપે દાદાના ચરણોમાં વિવિધ પ્રકારના મિષ્ટાન, પેંડા, બુંદીના લાડુ, કાજુ કતરી અને સૂકા મેવા સહિતની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શનિવારની વહેલી સવારે ૫:૩૦ કલાકે મંદિરના પૂજારી પરિવાર દ્વારા દાદાની પરંપરાગત મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે અન્નકૂટ આરતી મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્તોએ એકસાથે નાદ કરીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.
શનિવારના દિવસે દૂર-દૂરથી આવેલા યાત્રિકો માટે મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને મંદિરના હાઇટેક રસોડાની સ્વચ્છતા અને ત્યાં તૈયાર થતી પ્રસાદી શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
રાજોપચાર પૂજન અને ૧ મહિના સુધી ચાલતો હનુમાન ચાલીસા યજ્ઞ
ઉત્સવોની આ દિવ્ય શ્રૃંખલામાં સાંજના સમયે પણ મંદિરમાં ભક્તિનો માહોલ જામ્યો હતો. સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ શાંતિ અને ભક્તોના કલ્યાણના હેતુથી મંદિરના વિશાળ પટાંગણમાં ગત ૧૭ મે થી શરૂ થયેલો મહા હનુમાન ચાલીસા યજ્ઞ આગામી ૧૫ જૂન ૨૦૨૬ સુધી અવિરત ચાલશે.
આ યજ્ઞનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોર પછી ૩ થી સાંજના ૬:૩૦ સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં દરરોજ સેંકડો નવદંપતીઓ અને શ્રદ્ધાળુઓ આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. સમગ્ર સાળંગપુર પંથક અત્યારે 'જય કષ્ટભંજન દેવ' અને 'જય બજરંગબલી'ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
