<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

વિસાવદરમાં જલારામ કટલેરીથી રેલવે ફાટક સુધીના કાલસારી રોડને સંપૂર્ણ નવો ડામર રોડ બનાવવા માંગણી

યોગેશભાઈ દવે સહિત નગરજનોએ સંયુક્ત સહીઓ સાથે સંબંધકર્તાઓને લેખિત રજૂઆત કરી ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલનની ચીમકી આપી

વિસાવદર : યોગેશભાઈ ધીરૂભાઈ દવે, રહે. કાલસારી રોડ વિસાવદર (મો. 9426287871)એ (૧) પ્રમુખ, ચીફ ઓફિસર, નગર પાલિકા, વિસાવદર (૨) મામલતદાર, વિસાવદર (૩) માર્ગ અને મકાન પેટા વિભાગ, વિસાવદર (૪) પ્રાંત અધિકારી, વિસાવદર (૫) ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, વિસાવદર (૬) કલેક્ટર, જુનાગઢ (૭) સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જુનાગઢને એક લેખિત પત્ર પાઠવી વિસાવદર શહેરમાં જલારામ કટલેરીથી રેલવે ફાટક સુધીના કાલસરી રોડને સંપૂર્ણ નવો ડામર રોડ બનાવવા બાબતે રજૂઆત કરી છે.

યોગેશભાઈ ધીરૂભાઈ દવેએ નાગરિકોના સંયુક્ત સહીઓ સાથેના પત્રમાં જણાવ્યું છે કે, વિસાવદર શહેરમાં કાલસારી તરફ જવાનો મુખ્ય રસ્તો જલારામ કટલેરીથી રેલવે ફાટક સુધીનો રોડ છે. આ રોડ છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારનું સમારકામ કે નવો બનાવવામાં આવેલ નથી. હાલમાં વિસાવદરમાં ધારી બાયપાસ રોડનું કામ ચાલુ હોવાથી આ રોડ પર અવરજવરમાં અત્યંત વધારો થયો છે. આ રોડ પહેલાં ડામરનો હતો, પરંતુ હાલમાં તેની હાલત એટલી ખરાબ અને ખાડાઓવાળી થઈ ગઈ છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રાહદારીઓને અતિ ભારે ધૂળની ડમરીઓ અને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર આવેલી દુકાનોના માલિકો, વેપારીઓ તથા રહેણાંકી વિસ્તારના લોકો પણ આ રોડની ખરાબ હાલતને કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ રોડ વિસાવદર શહેરમાં આવ-જા માટેનો મુખ્ય અને એકમાત્ર મહત્વનો રસ્તો છે. તેથી તાત્કાલિક ધોરણે સંપૂર્ણ નવો ડામર રોડ બનાવવામાં આવે તેવી માંગણી છે.

જો આ રોડ બનાવવા માટેની કામગીરી આગામી દિવસોમાં ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જનઆંદોલન કરવાની પણ પત્રમાં ચીમકી આપવામાં આવી છે.

(9:38 PM IST)