હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભુજના સ્મૃતિવન પાસે તંત્રની ઘોર બેદરકારી: મુખ્ય પાણીની લાઈનમાં ભયંકર લીકેજ થતાં હવામાં ઉડ્યા ઊંચા ફુવારા, કિંમતી જળનો બેફામ વેડફાટ!
એકતરફ ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારો પાણી માટે વલખાં મારે છે ત્યારે બીજીતરફ હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું: અફસોસ! લોકો વિડીયો ઉતારવામાં અને રસ્તા પર મફતમાં ગાડીઓ ધોવામાં મસ્ત બન્યા

ભુજ : ગુજરાતમાં ઉનાળાની આકરી ઋતુ દરમિયાન એકતરફ પિવાના પાણીની ભારે તંગી વર્તાતી હોય છે અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો એક-એક બેડા પાણી માટે કિલોમીટરો સુધી ભટકવા મજબૂર બને છે. આવી પરિસ્થિતિ વચ્ચે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાંથી વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિ દર્શાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભુજના પ્રખ્યાત પર્યટન સ્થળ 'સ્મૃતિવન ભૂકંપ સ્મારક' નજીકથી પસાર થતી મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતાં હજારો લીટર શુદ્ધ અને પીવાનું પાણી રસ્તા પર વહી ગયું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્મૃતિવન નજીકથી જતી મુખ્ય પાણીની લાઈનના એર વાલ્વમાં અચાનક ગંભીર લીકેજ સર્જાયું હતું. પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર (દબાણ) ખૂબ જ વધારે હોવાને કારણે ઘટનાસ્થળે પાણીના વિશાળ અને ઊંચા ફુવારા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં લાખો રૂપિયાનું કિંમતી શુદ્ધ જળ રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યું હતું અને સમગ્ર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ ઘટનાએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને પાઇપલાઇનોની જાળવણીના મોટા-મોટા દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કરી દીધા છે.
લોકોની સંવેદનહીનતા: પાણી બગાડ અટકાવવાને બદલે મફતમાં વાહનો ધોવા લાગ્યા!
આ સમગ્ર ઘટનામાં તંત્રની લાપરવાહી તો સામે આવી જ છે, પરંતુ સાથે-સાથે સ્થાનિક નાગરિકોની ગંભીર સંવેદનહીનતા પણ કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર ઉડી રહેલા પાણીના પ્રચંડ ફુવારા જોઈને કેટલાક વાહનચાલકોએ પાણીનો બગાડ અટકાવવા કે તંત્રના કંટ્રોલ રૂમને ત્વરિત જાણ કરવાની તસ્દી લેવાને બદલે, ત્યાં વહી રહેલા શુદ્ધ પાણી નીચે પોતાની મોટરસાયકલ અને કાર ઉભી રાખીને મફતમાં વાહનો ધોવાનું શરૂ કરી દીધું હતું.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પાણીનો આટલો ભયંકર વેડફાટ થતો હોવા છતાં નગરપાલિકા કે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ લાંબા સમય સુધી ઘટનાસ્થળે પાણી બંધ કરવા કે વાલ્વ રીપેર કરવા પહોંચ્યા ન હતા. આસપાસના ગામડાઓમાં જ્યારે પાણીની તીવ્ર અછત છે, ત્યારે ભુજ શહેરની મધ્યમાં સરકારી તંત્રની આવી લાપરવાહીના કારણે કિંમતી જળનો જે વિનાશ થયો છે, તેનાથી પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું
રસ્તા પર વાહનો ધોતા લોકો અને હવામાં ઉડતા પાણીના ફુવારાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં અને લોકો દ્વારા તંત્રની આકરી આલોચના શરૂ કરાતાં આખરે ઊંઘતું ઝડપાયેલું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને લીકેજ સમારકામની કામગીરી હાથ ધરી હોવાના અહેવાલ મળ્યા છે. પરંતુ સવાલ એ જ ઊભો થાય છે કે દર વર્ષે મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આવી બેદરકારી કેમ સામે આવે છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
