હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છ પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો: એલસીબીની મેગા રેડમાં રૂ.૧.૦૪ કરોડનો મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા!
દુધઈના ભીમાસર-ટપ્પરની વાડીમાં ચાલતા દારૂના કટિંગ પર ત્રાટકી પોલીસ: રૂ.૭૯.૫૨ લાખનો વિદેશી દારૂ-બીયર, ટેન્કર અને ડમ્પર સહિત વાહનો કબ્જે, નામચીન પૂના ભરવાડ અને રામા ભરવાડ સહિત ૧૨ સામે ગુનો દાખલ

ગાંધીધામ : ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) એક બહુ મોટી અને અભૂતપૂર્વ સફળ કામગીરી પાર પાડી છે. એલસીબીની ટીમે દુધઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભીમાસર-ટપ્પર વિસ્તારની એક અવાવરૂ વાડીમાં પ્રોહિબિશન રેડ કરીને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ભારે વાહનો મળીને કુલ ૧.૦૪ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના આ ઓપરેશનથી સમગ્ર કચ્છ જિલ્લાના બુટલેગરો, સપ્લાયરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા અને તેમની ટીમને એક ચોક્કસ અને અત્યંત ખાનગી બાતમી મળી હતી કે ભીમાસર-ટપ્પર વિસ્તારની એક વાડીમાં મોટા પાયે દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે પ્લાન બનાવીને બાતમીવાળા સ્થળે અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ ત્રાટકી તે સમયે વાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનું કટિંગ અને અન્ય નાના વાહનોમાં હેરફેર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી કિંગફિશર બીયર સહિત દેશ-વિદેશની વિવિધ નામાંકિત બ્રાન્ડનો અંદાજે ૭૯.૫૨ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો શોધી કાઢીને સીઝ કર્યો હતો.
ટેન્કર અને ડમ્પર જેવા ભારે વાહનો વડે થતી હતી સપ્લાય
દારૂના આ મસમોટા નેટવર્કને તોડી પાડવા સાથે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ વાહનો પણ જપ્ત કર્યા છે. બુટલેગરો દ્વારા પોલીસની નજરમાં ન આવવા માટે કેમિકલ કે અન્ય લિક્વિડના નામે દારૂ છુપાવીને લાવવા માટે વાપરવામાં આવતું એક મોટું ટેન્કર, એક ડમ્પર, એક બોલેરો કેમ્પર ગાડી અને એક મોટરસાયકલ સહિતના વાહનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ કબજે લેવામાં આવ્યા છે. દારૂની લાખોની કિંમતની બોટલો અને આ તમામ વાહનો મળીને પોલીસે કુલ ૧.૦૪ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોતાના હસ્તક લીધો છે.
કુખ્યાત પૂના અને રામા ભરવાડનું નેટવર્ક ધ્વસ્ત, પકડવા ચક્રો ગતિમાન
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ શિકાગો સ્ટાઈલના આખા નેટવર્કના મુખ્ય સૂત્રધાર સ્થાનિક કુખ્યાત બુટલેગર પૂના ભરવાડ અને રામા ભરવાડ છે. આ બંને મુખ્ય બુટલેગરો સહિત કુલ ૧૨ જેટલા શખ્સો સામે આ ગુનાહિત કાવતરામાં સામેલ હોવા બદલ નામજોગ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીની ફરિયાદના આધારે દુધઈ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જો કે, પોલીસ રેડ દરમિયાન અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપીઓ તેમજ તેમના અન્ય સાગરીતોને ઝડપી લેવા માટે એલસીબી પીઆઈ જે.એમ. વાળાની સીધી દેખરેખ હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને જિલ્લાભરમાં સઘન તપાસ, નાકાબંધી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ મુખ્ય સૂત્રધારો પોલીસના સિંજામાં હશે તેવો દાવો કરાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
