News of Sunday, 14th June 2026
સુરેન્દ્રનગરના સાયલા સર્કલ પાસે ઓવરબ્રીજ નીચે બે પરિવારો વચ્ચે પોલીસવાનની હાજરીમાં જાહેરમાં મારામારી -પથ્થરમારો
દીકરીને ભગાડી જવાની આશંકાએ હિંસક વળાંક લીધો :હિંસક ઝપાઝપીમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી

સુરેન્દ્રનગરના સાયલા સર્કલ પાસે ઓવરબ્રીજ નીચે બે પરિવારો વચ્ચે જાહેરમાં મારામારીનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. નેશનલ હાઈવે પરના આ મુખ્ય રસ્તા પર બે પરિવારો વચ્ચે થયેલી આ હિંસક અથડામણને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મારામારી પાછળનું મુખ્ય કારણ એક દીકરીને ભગાડી જવા બાબતે થયેલું મનદુઃખ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઘટના સ્થળે પોલીસવાનની હાજરી હોવા છતાં બંને પરિવારના સભ્યો એકબીજા પર છુટ્ટા પથ્થરોના ઘા મારી રહ્યા હતા. જાહેરમાં થયેલા આ પથ્થરમારાને કારણે પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ભરચક ટ્રાફિક અને વ્યસ્ત રસ્તા પર થયેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.
આ હિંસક ઝપાઝપીમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
