News of Sunday, 14th June 2026
સાંદીપનિના હરિમંદિરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી પુરુષોત્તમ માસ નિમિત્તે આંબા મનોરથ સંપન્ન થયો
હરિમંદિરમાં બિરાજમાન ભગવાન રસરાજ પ્રભુ લક્ષ્મીનારાયણ સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભવ્ય ભોગ ધરાવાયો : વિજયભાઈ બજરંગલાલજી તાપડિયાએ મનોરથી તરીકે લીધો સેવાનો લાભ

પોરબંદર:પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસર નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં આવેલા હરિમંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પરમ પ્રેરણાથી એક ભવ્ય અને દિવ્ય આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવ ખૂબ જ ભક્તિસભર માહોલમાં ભવ્યતાપૂર્વક સંપન્ન થયો છે, જેમાં સમગ્ર મંદિર પરિસરને કેરીઓના અદ્ભુત શણગારથી સજાવવામાં આવ્યું હતું.
આ વિશેષ મનોરથ અંતર્ગત હરિમંદિરમાં મુખ્ય સ્થાને બિરાજમાન ભગવાન રસરાજ પ્રભુ લક્ષ્મીનારાયણ ભગવાનની સાથે મંદિરના તમામ દેવતાઓના વિગ્રહોને અત્યંત શ્રદ્ધાપૂર્વક પવિત્ર અને મધુર કેરીઓનો ભોગ લગાવવામાં આવ્યો હતો. ભગવાન સન્મુખ ધરાવવામાં આવેલી વિવિધ જાતની કેરીઓની આ મનોહર ઝાંખીના દર્શન કરીને ઉપસ્થિત સૌ ભક્તો ભાવવિભોર બન્યા હતા.
પુરુષોત્તમ માસના આ પવિત્ર આંબા મનોરથના મુખ્ય મનોરથી તરીકે વિજયભાઈ બજરંગલાલજી તાપડિયા પરિવારે ઉપસ્થિત રહીને સેવાનો અમૂલ્ય લાભ લીધો હતો અને તમામ ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી. હરિમંદિરમાં આયોજિત આ વિશેષ આંબા મનોરથના અલૌકિક દર્શન તેમજ સાંજની દિવ્ય ઉત્સવ આરતીનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં માઈભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો પરમ લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
