News of Sunday, 14th June 2026
ગીર ગઢડાના થોરડી ગામે 4 લોકો પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો: ગ્રામજનોનો રાહત
છેલ્લા 30 કલાકથી આતંક મચાવનાર દીપડો પુરાયો : વન વિભાગની ટીમે ભારે જહેમત અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને બેભાન કરીને પાંજરાભેગો કર્યો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના થોરડી ગામે છેલ્લા 30 કલાકથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગે મોટી રાહતનો શ્વાસ લીધો છે. ગઈકાલ સવારથી શરૂ થયેલા દીપડાના હુમલાના કુલ ચાર લોકો ભોગ બન્યા હતા, જેમાં ખેડૂતો અને વન વિભાગના એક રોજમદાર કર્મચારીનો સમાવેશ થાય છે. વન વિભાગની ટીમે ભારે જહેમત અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને બેભાન કરીને પાંજરાભેગો કર્યો છે.
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં આવેલા થોરડી ગામે ગઈકાલે સવારે એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જ્યાં કેળના ખેતરમાં કામ કરી રહેલા કાકા-ભત્રીજા પર દીપડાએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં જ દીપડાએ નજીકના વિસ્તારમાં વધુ એક ખેડૂતને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે સવારથી જ એક મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વન વિભાગની ટીમ જ્યારે આ હિંસક દીપડાની શોધખોળ કરી રહી હતી, ત્યારે સાંજ નમતા દીપડો વધુ આક્રમક બન્યો હતો અને તેણે રેસ્ક્યુ ટીમમાં સામેલ વન વિભાગના જ એક રોજમદાર કર્મચારી પર પણ હુમલો કરી દીધો હતો, જેનાથી વનકર્મીઓ ભારે ચિંતામાં મુકાયા હતા. છેલ્લા ૩૦ કલાકથી વન વિભાગના અધિકારીઓ અને શૂટર્સ દીપડાના લોકેશન પર નજર રાખીને તેને પકડવા માટે સતત વ્યૂહરચના બનાવી રહ્યા હતા અને ગ્રામજનો પણ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. આખરે, રવિવારે વન વિભાગની ટીમને મોટી સફળતા મળી હતી; તેમણે ભારે જહેમત બાદ દીપડાને ટ્રેન્ક્યુલાઈઝર ગનથી શૂટ કરીને બેહોશ કર્યો હતો. દીપડો બેભાન થતાં જ તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી દેવામાં આવ્યો હતો.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
