News of Sunday, 14th June 2026
ગોંડલમાં વિશ્વાસુ મેનેજરે માલિકના ભરોસાનો ગેરલાભ ઉઠાવીને કૌભાંડ આચર્યું :₹2.31 કરોડની ઉચાપત કરી
14 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા શખ્સે પોતાના બનેવી સાથે મળીને આંગડિયા પેઢીમાંથી ₹2.31 કરોડની ઉચાપત કરી:સીસીટીવી અને વીડિયો પુરાવાઓએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો

ગોંડલ :શહેરમાં વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 'પી.એમ. આંગડિયા પેઢી'ના 14 વર્ષથી ફરજ બજાવતા મેનેજરે જ પેઢીને લાખો-કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. મેનેજર મયુર વલ્લભભાઈ ઢોલેએ પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને વ્યવસ્થિત કાવતરું ઘડીને કુલ ₹2.61 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.
આરોપી મેનેજર મયુરે શાપર, જેતપુર અને ધોરાજી બ્રાન્ચમાંથી સમયાંતરે રૂપિયા ઉપાડી આ આર્થિક ગોટાળો કર્યો હતો. આ કૌભાંડ ત્યારે જગજાહેર થયું જ્યારે સીસીટીવી ફૂટેજમાં મેનેજરના બનેવી જલ્પેશ ઝાપડિયાને પેઢીમાંથી રૂપિયા લઈ જતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. માલિક જ્યારે હિસાબ માગવા ગયા ત્યારે મેનેજરે તેમને ધમકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેનું રેકોર્ડિંગ માલિકની દીકરીએ મોબાઈલમાં કરી લીધું હતું, જે તપાસમાં મુખ્ય પુરાવો બન્યું છે.
આ અંગે પેઢીના 67 વર્ષીય માલિક હર્ષદભાઈ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મયુર ઢોલે અને તેના બનેવી જલ્પેશ ઝાપડિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલમાં ગોંડલ સિટી પી.આઈ. જે.આર. ઝાલા દ્વારા આ સમગ્ર કેસની ગહન તપાસ કરવામાં આવી રહી છે. ₹ 30 લાખ પરત કર્યા હોવા છતાં બાકીના ₹2.31 કરોડની છેતરપિંડીના આ કેસે વેપારી આલમમાં ભારે ચકચાર જગાવી છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
