<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

કાલથી ૪ મહિના સિંહ દર્શન બંધ

પ્રવાસીઓ માટે ફકત દેવળીયા પાર્ક ખુલ્લુ રહેશેઃ વનરાજો માટે સંવનનકાળ

રાજકોટ તા.૧૫: હવે ચાર મહિના માટે ગીરમાં સિંહ દર્શન કરી શકાશે નહીં. ૧૬ જૂનથી ૧૫ ઓક્‍ટોબર સુધી સિંહ દર્શન બંધ રહેશે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. જેથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહદર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અહીં લાખોની સંખ્‍યામાં સહેલાણીઓ સિંહદર્શન માટે આવતા હોય છે.

ચાર માસના વેકેશન દરમિયાન જીપ્‍સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સિઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્‍ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્‍ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા ૧૬ જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.

આ વેકેશન ૧૫ ઓકટોબરે પૂર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઇ જવામાં આવતા જીપ્‍સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જો કે દેવળિયા સફારી પાર્કરાબેતા મુજબ ચાલુ રહેશે. આવતીકાલે ૧૫ જુન સિંહ દર્શન માટે છેલ્લો દિવસ છે. છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્‍યા ૫૨૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્‍યા પહોચી છે, ત્‍યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે મહત્‍વનો સાબિત થશે.

વેળાવદર

વર્ષાઋતુ દરમ્‍યાન મોટાભાગના વન્‍યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ)માં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્‍ય રાષ્‍ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્‍ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૬ થી તા.૧૫/૧૦/૨૦૨૬ સુધી બંધ રહેશે. જેની તમામ વન્‍યપ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓને નોંધ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્‍ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવ્‍યું છે

(10:53 AM IST)