તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Monday, 15th June 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ જુનાગઢમાં સવારે છાંટા
પવનનું જોર યથાવત : આખો દિવસ ધુપ-છાંવઃ સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ

રાજકોટ, તા., ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે આજે સવારે જુનાગઢમાં છાંટા પડયા હતા.
જુનાગઢ
જૂનાગઢના વાતાવરણમાં આજે સવારે પલટો આવતા અસહ્ય બફારા વચ્ચે આકાશમાંથી છાંટા વરસતા થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
છેલ્લા ઘણા દિવસોથી લોકો મેઘરાજાની પધરામણીની પ્રતીક્ષા કરી રહ્યા છે. શનિવારથી જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ દરમિયાન આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો છવાઈ ગયા હતા જેની સાથે અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાએ અમી છાંટણા વરસાવી પોતાના આગમનની છડી પોકારી હતી. સવારે ૭ વાગ્યે અને ૯ વાગ્યે હળવી મેઘ કળપા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ ફરી બફારો વધુ અસહ્ય બન્યો હતો. જોકે આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસ દરમિયાન મેઘરાજા જોરદાર પધરામણી કરે તેવું જણાઈ રહ્યું છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ઓણ સાલની ગરમીએ જૂના રેકોર્ડ તોડયા છે. ચોમાસુ માથે હોવા છતાં પણ કાળઝાળ ગરમીમાં કોઈ રાહત મળી રહી નથી. જેના કારણે નાગરિકોને અધિક માસમાં ચૈત્ર-વૈશાખનો તાપ સહન કરવો પડી રહ્યો છે. ગરમીના કહેર વચ્ચે ૪૧.૪ ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી રહ્યું હતું.
ભાવનગર શહેરમાં વાદળોની અવરજવર વચ્ચે પણ આભમાંથી આકરો તાપ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન અર્ધો ડિગ્રી ઉંચકાઈને ૪૧.૪ ડિગ્રીએ પહોંચી જતાં રાજ્યમાં શનિવાર અને રવિવારે સર્વોધિક ગરમી ભાવનગરમાં નોંધાઈ હતી. અંગ દઝાડતા તાપની સાથે ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા મુશ્કેલીમાં વધારો થયો હતો. ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે જૂન માસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહેતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળો આકરો હોય, પાછલા ૭ દિવસમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની ઉપર જ રહ્યું છે. અને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ તાપમાન છેલ્લા બે દિવસથી ભાવનગરમાં નોંધાઈ રહ્યું છે. આમ ચોમાસાના વિલંબ વચ્ચે ભાવનગરમાં તાપનો પ્રકોપ વધ્યો છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬.પ , લઘુતમ ર૮ ડીગ્રી, ભેજ ૬૭ ટકા અને પવનની ગતિ ૧૬.પ કી.મી. પ્રતિ કલાક રહી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
