News of Monday, 15th June 2026
રાજસ્થાનથી દ્વારકાધીશના શરણે જવા નીકળેલા ૭૬ વર્ષના સકારામબાપાની અનોખી દંડવત યાત્રા ધ્રોલ પંથકમાં પહોંચી : જુઓ વિડીયો
ભક્તિ આગળ ભયંકર તાપ પણ નતમસ્તકઃ ૩ વ્હીલની સાયકલને આગળ ધક્કો મારી, રસ્તા પર સૂઈને દંડવત કરતા કરતા રોજ ૫ કિમી દંડવત પ્રણામ કરતા વયોવૃદ્ધ ભક્ત સકારામ બાપાની અદભૂત દ્વારકા યાત્રાઃ ધગધગતા હાઈવે પર ત્રણ વ્હીલની સાયકલ સાથે રોજનું ૫ કિલોમીટરનું અંતર કાપતા વયોવૃદ્ધ ભક્ત

ધ્રોલ તા.૧૫: સકારામ બાપાની અદભૂત દ્વારકા યાત્રા ધ્રોલના સોયલ-નથુવડલા રોડ પર પહોંચ્યા યાત્રા જોતા એક ગીતની કડી યાદ આવી ‘‘બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ સાચો... માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવ તું...''આ પંક્તિઓને અક્ષરશઃ સાચી સાબિત કરતો એક અલૌકિક અને પ્રેરણાદાયી નજારો હાલ ધ્રોલના નથુવડલા નજીક જોવા મળ્યો. કહેવાય છે કે જ્યારે હૃદયમાં ભક્તિનો દીવો પ્રગટે છે ત્યારે સંસારના તમામ કષ્ટો અને શારીરિક પીડાઓ આપોઆપ ઓગળી જાય છે, ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે અને કાળઝાળ ગરમી પણ શીતળતામાં ફેરવાઈ જાય છે. રાજસ્થાનના એક ૭૬ વર્ષના વયોવળદ્ધ અત્યારે પોતાના અડગ આત્મવિશ્વાસ સાથે જગતના નાથ દ્વારકાધીશના શરણે જવા અનોખી દંડવત યાત્રા કરી રહ્યા છે, જેને જોઈને રોડ પર પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ ભાવવિભોર થઈ રહ્યા છે.
મળતી વિગતો મુજબ, રાજસ્થાનના પોશાલ અસાડા બાબોતરાના રહેવાસી સકારામ મંગનાજી રાજપૂત (ઉંમર વર્ષ ૭૬) ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્ત છે. આ ઉંમરે સામાન્ય રીતે લોકો શારીરિક અશક્તિને કારણે લાંબી મુસાફરી કરવાનું ટાળતા હોય છે, ત્યારે સકારામ બાપા પોતાના અડગ નિヘય સાથે ત્રીજી વખત દંડવત પ્રણામ કરતા કરતા દ્વારકા જઇ રહયા છે. તેઓ ગત ફાગણ મહિનાની ૧૦મી તારીખે પોતાના વતનથી નીકળ્યા હતા અને સતત માર્ગ પર આગળ વધી રહયા છે. તેમની આ તપસ્યા પાછળ કોઇ સાંસારીક લોભ નથી, બસ કાળિયા ઠાકોરને પામવાની એક સાચી ધૂન છે.
હાલ સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હાઈવે પરનો ડામર જાણે કોઈ ભઠ્ઠીની જેમ ધગી રહ્યો છે, ત્યારે સકારામ બાપા આ ભયંકર તાપમાં પણ દરરોજનું આશરે ૫ કિલોમીટર જેટલું કઠિન અંતર કાપે છે. સકારામ બાપાની આ યાત્રા કરવાની શૈલી પણ ખૂબ અનોખી અને હૃદયસ્પર્શી છે; તેઓ પોતાની સાથે રહેલી ત્રણ વ્હીલવાળી સાયકલને પહેલા હાથથી આગળ ધક્કો મારે છે અને પછી તેની પાછળ જમીન પર સૂઈને ભગવાનને દંડવત પ્રણામ કરતા કરતા આગળ વધે છે. રસ્તા પરની દરેક સેકન્ડ અને દરેક કિલોમીટર તેમની ભક્તિને વધુ મજબૂત બનાવી રહી છે અને કાળઝાળ ગરમી પણ તેમના અડગ નિヘયને ડગાવી શકી નથી. હાલ સકારામ બાપા ધ્રોલ તાલુકાના નથુવડલા અને સોયલ વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે અને સોયલ ટોલનાકા નજીક પહોંચ્યા છે.
સકારામ બાપાની સાથે યાત્રામાં આ વિશેષ રૂપે તૈયાર કરેલી ત્રણ વ્હીલવાળી સાયકલ જ તેમની આ આખી સફરની સાક્ષી પૂરે છે. આ સાયકલ પર યાત્રા માટેનો જરૂરી સામાન, ધાર્મિક ચિホો, પવિત્ર ધ્વજ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભગવાન રામદેવપીર ના નાના અને સુંદર ફોટાની છબી રાખી છે, જે ભક્તને સતત દૈવી શક્તિ અને ઊર્જાનો અહેસાસ કરાવે છે. આ કઠિન યાત્રા દરમિયાન તાજેતરમાં જ તેઓ ધ્રોલના નથુવડલા નજીક આવેલ રમેશભાઈ મકવાણા આહિર પ્રમુખ શ્રીહરસિદ્ધ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાત્રિ રોકાણ માટે રોકાયા હતા.
ત્યાં ગૌમાતાના પવિત્ર સાનિધ્યમાં આરામ કર્યા બાદ, તેઓ સવારે નથુવડલા રોડ પર સોયલ ગામ નજીક પહોંચ્યા હતા. જેમ જેમ તેઓ દ્વારકાની નજીક પહોંચી રહ્યા છે, તેમ તેમ તેમનો ઉત્સાહ અને ભક્તિભાવ બેવડાઈ રહ્યો છે. આજની ભૌતિકવાદી દુનિયામાં, જ્યાં લોકો માત્ર સુખ-સુવિધાઓ પાછળ દોડી રહ્યા છે, ત્યાં સકારામ બાપાનો આ અસીમ પરિશ્રમ, અનોખી દંડવત શૈલી અને ઈશ્વર પ્રત્યેનો સાચો ભાવ દરેક માનવી માટે એક મહાન ઉદાહરણ પૂરું પાડે છે.
ખાસ અહેવાલ
સંજય ડાંગર, ધ્રોલ
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
