News of Monday, 15th June 2026
ખેડૂતો વિજ લાઇન-જમીન સંપાદન મુદ્દે આકરા પાણીએઃ ગાંધીનગરમાં ટ્રેકટર સાથે પડાવ
મોરબીથી નીકળેલી ટ્રેકટર રેલીમાં સુરેન્દ્રનગર, વિરમગામ, સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ગામોમાંથી ખેડૂતો હાજરઃ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું સમર્થન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧પ :.. ગુજરાતમાં પાવરગ્રીડ વીજ લાઇન, જમીન સંપાદન અને ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે પાટનગર ગાંધીનગર ખાતે યોજાનારા મહાસંમેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂકયા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન સમિતિના નેજા હેઠળ યોજાનારી આ મહારેલીને પગલે રાજ્યનું રાજકારણ અને વહીવટી તંત્ર ગરમાયું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગામોમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર-હાંસોટ પંથકના ખેડૂતો આજે ૨૫ જેટલા ટ્રેક્ટરો અને ૫૦ કારના મોટા કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ લાઇનના કારણે તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની સામે સરકાર કે કંપની દ્વારા કોઈ યોગ્ય વળતર આપવામાં આવતું નથી.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ પરથી ૩૦૦થી વધુ ટ્રેક્ટરોની વિશાળ રેલી ગાંધીનગર જવા નીકળી છે. આ રેલીમાં કિસાન કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા અને મહેશ રાજકોટીયા સહિતના અગ્રણીઓ જોડાયા છે. સૌરાષ્ટ્રના ખેડૂતોનો પણ મુખ્ય આક્ષેપ એ જ છે કે ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં ઊભા કરાતા વીજ લાઇનના થાંભલાઓ માટે તેમને પૂરતું વળતર મળતું નથી, જેના વિરોધમાં તેઓ ગાંધીનગરમાં ધામા નાખવાની પૂરી તૈયારી સાથે આવ્યા છે.
આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કોઈ વિધાનસભા ઘેરાવનો હિંસક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે સરકારને સાનમાં સમજાવવા જઈ રહ્યા છે. ગાંધીજીના માર્ગે અહિંસક આંદોલનની તાકાત બતાવતા તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું કે, જો અહિંસાના જોરે ગોરા અંગ્રેજોને દેશમાંથી ભગાડી શકાતા હોય, તો આ કાળા અંગ્રેજો (સ્થાનિક શાસકો)એ પણ ખેડૂતોની ન્યાયી માંગણીઓ સામે ઝૂકવું જ પડશે. ગાંધીનગરમાં યોજાનારું આ સંમેલન આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છથી ૭૨૦ કે.વી વીજ લાઈન નાખવાની કામગીરી પહોંચી ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં કંપની દ્વારા પોલીસ નો ઉપયોગ કરી અને ખેતરોમાં પ્રવેશ કરી અને થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે ત્યારે કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને કોરીડોરમાં રહી અને કામગીરી કંપની દ્વારા કરવામાં ન આવતી હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે આ અંગે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરવામાં આવી છે અને કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.
છતાં પણ કંપની દ્વારા કોઈપણ પ્રકારનું વળતર ચુકવણી કરવામાં આવતું નથી અને ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જો ખેડૂતો ખોદકામ કરવાની ના પાડે અને થાંભલા ઉભી કરવાની ના પાડે તો પોલીસ નો ઉપયોગ કરી અને ત્યારબાદ આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે અને બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પણ પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવી અને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી જેને લઈને હવે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરવા માટે નીકળી ચૂકયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા અને આજુબાજુના વિસ્તારોના ૩૦૦ થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરનો લઈ અને ગાંધીનગર ખાતે નીકળી ચૂકયા છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો કાલે ગાંધીનગર ખાતે રેલી યોજવા જઈ રહ્યા છે ત્યારે ટ્રેક્ટર વહેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધાંગધ્રા અમદાવાદ બાયપાસ પાસેથી ૩૦૦ થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે.
૧૫ જુનના રોજ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર યાત્રા કાઢી ખેડૂતો વિરોધ કરવાના છે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન મામલે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. મોરબી, ટંકારા, માળિયા અને હળવદમાંથી ટ્રેક્ટર લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર જવા રવાના થયા હતા ગુજરાત સંઘર્ષ સમિતિના પાલભાઈ આંબલીયા, મહેશભાઈ રાજકોટિયા, અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ સમર્થનમાં જોડાયા છે વીજપોલ સામે ખેડૂતોને પૂરું વળતર આપવાની માંગ સાથે સોમવારે ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજાનાર છે.
પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે અપેક્ષા કરતા વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાઈ રહ્યા છે મોરબી જીલ્લામાંથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે અને વિરમગામ સહિતના સ્થળે તેમજ દક્ષીણ ભારતમાંથી પણ ખેડૂતો જોડાશે અને વિશાલ સંખ્યામાં ટ્રેક્ટર રેલી યોજાશે તેમ જણાવ્યું હતું.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
