<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

પોરબંદરમાં દેશનું અદ્યતન ફર્નિચર પાર્ક ૧૦૦ હેકટર જમીનમાં આકાર પામશે

ડો. મનસુખભાઇ માંડવીયાનો ફર્નિચર પાર્ક સમીટમાં દેશના ટોચના ઉદ્યોગકારો સાથે સંવાદઃ સુચનો મેળવ્‍યા : ફર્નિચર પાર્કમાં ડીઝાઇનીંગ, સ્‍ક્રીંલીંગ સેન્‍ટર અને અન્‍ય જરૂરી સુવિધા એક છત્ર નીચે ઉપલબ્‍ધ બનશેઃ ભારવાડામાં સુચીત ફર્નિચર પાર્કની મુલાકાત લેતા ડો.મનસુખભાઇ, અર્જુનભાઇ મોઢવાડીયા, મેયર સાગરભાઇ મોદી તથા અગ્રણીઓ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫ : નજીકના ભારવાડાની ૧૦૦ હેકટર જમીનમાં દેશનું અદ્યતન ફર્નિચર પાર્ક આકાર પામશે. આ અંગે યોજાયેલી ફર્નિચર પાર્ક સમીટમાં કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ દેશના ટોચના ફર્નિચરના ઉદ્યોગકારો સાથે અદ્યતન ફર્નિચર પાર્ક બનાવવા સુચનો મેળવ્‍યા હતા.

ફર્નિચર પાર્ક સમીટ બાદ ડો.મનસુખભાઇ માંડવીયા, રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા મેયર સાગરભાઇ મોદી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, કલેકટર એસ.ડી.ધાનાણી અને અધિકારીઓ તેમજ અગ્રણીઓએ સુચીત ફર્નિચાર પાર્ક ભારવાડાની મુલાકાત લીધી હતી. તેઓએ વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ અંતર્ગત દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્‍થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્‍યાંકન કર્યું હતું.

કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને રાજ્‍યના વન-પર્યાવરણ તથા સાયન્‍સ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્‍થિતિમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્‍ધ જમીન, માર્ગ-રેલ કનેક્‍ટિવિટી અને લોજિસ્‍ટિક્‍સ માળખાની સમીક્ષા કરવામાં આવી હતી. સમિટ દરમિયાન ડો. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશના રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને રાજ્‍ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્‍ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્‍થાપના માટે સરકાર દ્વારા આપવામાં આવનારા વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે વિસ્‍તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેને ફોર-લેન બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી છ મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે. ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે ૧,૦૦૦ હેક્‍ટર જેટલી વધારાની જમીન ઉપલબ્‍ધ હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું. તેમણે દરિયાકાંઠાથી માત્ર ૧૨ કિમી દૂર આવેલું ભારવાડા સ્‍થળ બંદર, રેલવે અને હાઈવે કનેક્‍ટિવિટીથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્‍પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણાવવામાં આવ્‍યું છે. સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટા પાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના-મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન મળશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

દેશ-વિદેશથી ઉપસ્‍થિત પ્રતિનિધિ મંડળોએ પોરબંદર જેટીની મુલાકાત લીધી હતી. વિદેશથી આયાત થનારા લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, તેના ઉપયોગ અને ફર્નિચર પાર્કને મળનારા લાભો અંગે સ્‍થળ નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે પોરબંદર નજીકના ભારવાડા વિસ્‍તારમાં સૂચિત મેગા ફર્નિચર પાર્ક માટે નિર્ધારિત સ્‍થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઉપલબ્‍ધ જમીન, માર્ગ અને રેલ કનેક્‍ટિવિટી, લોજિસ્‍ટિક્‍સ સુવિધાઓ તથા ઉદ્યોગ વિકાસની સંભાવનાઓનું સ્‍થળ પર મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. અમિત પ્રકાશ યાદવ,  અધિક ઉદ્યોગ કમિશ્રર અને જોઈન્‍ટ મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી iNDEXTb એ  ડેલિગેટ્‍સને મુલાકાત દરમ્‍યાન પોલિસી વિષયક સમજૂતી પ્રદાન કરીને આશ્વાસન વ્‍યક્‍ત કર્યું કે ગુજરાત સરકાર પાર્કના કંપ્‍લેસન  માટે  હંમેશા તૈયાર રહેશે.

ઉલ્લેખનીય છે કે સૂચિત મેગા ફર્નિચર પાર્કના વિકાસથી સ્‍થાનિક સ્‍તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે, નાના અને મધ્‍યમ ઉદ્યોગોને પ્રોત્‍સાહન મળશે તેમજ પોરબંદર વૈશ્વિક ફર્નિચર ઉદ્યોગના નકશા પર એક મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્‍યુટી મેયર મનીષ શિયાળ, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા કલેક્‍ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિત આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:40 PM IST)