<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વિજ લાઇન-જમીન સંપાદન મુદે ખેડુતો આકરા પાણીએઃ અમદાવાદમાં ટ્રેકટર સાથે પડાવ

મોરબીથી નીકળેલી ટ્રેકટર રેલીમાં સુરેન્‍દ્રનગર, વિરમગામ, સહિત સૌરાષ્‍ટ્ર-ગુજરાતના અનેક ગામોમાંથી ખેડૂતો હાજરઃ કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું સમર્થન : ગાંધીનગર સુધી જવાની ટ્રેકટર રેલીને પરમીશન ન હોવાથી ઓગણેજ સર્કલ પાસે સ્‍થગીત : માત્ર અમુક આગેવાનો ગાંધીનગર રજુઆત કરવા જશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧પ : ગુજરાતમાં પાવરગ્રીડ વીજ લાઇન, જમીન સંપાદન અને ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની પડતર માંગણીઓ સાથે પાટનગર ગાંધીનગર ખાતે યોજાનારા મહાસંમેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂકયા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન સમિતિના નેજા હેઠળ યોજાનારી આ મહારેલીને પગલે રાજ્‍યનું રાજકારણ અને વહીવટી તંત્ર ગરમાયું છે.

આજે બપોરે ૩.૦૦ વાગ્‍યે આ રેલી અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્‍તે વૈષ્‍ણોદેવી સર્કલ પાસે ઓગણેજ સર્કલ નજીક પહોંચી છે. જયાં રેલીને સ્‍થગીત કરી દેવામાં આવી છે કારણ કે રેલીની પરમીશન ફકત અમદાવાદ સુધીની જ છે. જેથી ગાંધીનગર ટ્રેકટર રેલી નહિ પહોંચે અમુક આગેવાનો અમદાવાદથી ગાંધીનગર રજુઆત કરવા જશે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગામોમાંથી પસાર થતી પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર-હાંસોટ પંથકના ખેડૂતો આજે ૨૫ જેટલા ટ્રેક્‍ટરો અને ૫૦ કારના મોટા કાફલા સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવરગ્રીડ લાઇનના કારણે તેમની કિંમતી ખેતીની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેની સામે સરકાર કે કંપની દ્વારા કોઈ યોગ્‍ય વળતર આપવામાં આવતું નથી.

 સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતોએ પણ સરકાર સામે મોરચો માંડ્‍યો છે. ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ પરથી ૩૦૦થી વધુ ટ્રેક્‍ટરોની વિશાળ રેલી ગાંધીનગર જવા નીકળી છે. આ રેલીમાં કિસાન કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા અને મહેશ રાજકોટીયા સહિતના અગ્રણીઓ જોડાયા છે. સૌરાષ્‍ટ્રના ખેડૂતોનો પણ મુખ્‍ય આક્ષેપ એ જ છે કે ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં ઊભા કરાતા વીજ લાઇનના થાંભલાઓ માટે તેમને પૂરતું વળતર મળતું નથી, જેના વિરોધમાં તેઓ ગાંધીનગરમાં ધામા નાખવાની પૂરી તૈયારી સાથે આવ્‍યા છે.

આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કોઈ વિધાનસભા ઘેરાવનો હિંસક કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે સરકારને સાનમાં સમજાવવા જઈ રહ્યા છે. ગાંધીજીના માર્ગે અહિંસક આંદોલનની તાકાત બતાવતા તેમણે આકરા શબ્‍દોમાં જણાવ્‍યું કે, જો અહિંસાના જોરે ગોરા અંગ્રેજોને દેશમાંથી ભગાડી શકાતા હોય, તો આ કાળા અંગ્રેજો (સ્‍થાનિક શાસકો)એ પણ ખેડૂતોની ન્‍યાયી માંગણીઓ સામે ઝૂકવું જ પડશે. ગાંધીનગરમાં યોજાનારું આ સંમેલન આગામી દિવસોમાં મોટું સ્‍વરૂપ ધારણ કરે તેવા પૂરા સંકેતો મળી રહ્યા છે.

(3:47 PM IST)