<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ગઢડાના લાઠીદડ ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ

આરોપીઓએ યુવકનો વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાવવાની ગંભીર ધમકીઓ આપીને તેની પાસેથી રૂ. 2.48 લાખ પડાવી લીધા હતા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં લાઠીદડ ગામના એક નિર્દોષ યુવકને સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી, બાદમાં દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા છે. આ મામલે પીડિત યુવકે હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે અને પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

બોટાદના ગઢડા તાલુકાના લાઠીદડ ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરવાના કેસમાં ગઢડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ધનાભાઈ રાહાભાઈ પરમાર નામના એક શખ્સની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ યુવકનો વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં ફસાવવાની ગંભીર ધમકીઓ આપીને અત્યાર સુધીમાં તેની પાસેથી રૂ. 2.48 લાખ પડાવી લીધા હતા, એટલું જ નહીં, આરોપીઓનું પેટ ન ભરાતા તેઓએ વધુ રૂ. 2.50 લાખની પઠાણી ઉઘરાણી શરૂ કરી સતત માનસિક ત્રાસ આપ્યો હતો.

ફરિયાદ અને આરોપીઓ: આ અસહ્ય બ્લેકમેઇલિંગથી કંટાળીને આખરે લાઠીદડ ગામના યુવકે એક મહિલા સહિત કુલ 7 શખ્સો વિરૂદ્ધ ગઢડા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં અજય રૂડા બોળીયા, ઘના રાહા પરમાર, ભાવનાબેન અને અન્ય ચાર અજાણ્યા ઇસમોનો સમાવેશ થાય છે. ગઢડા પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે નવીન કાયદા 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) ની કલમ 308(6), 308(7), 115(2), 352, 351(3) અને 61(2) હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલા આરોપી સિવાયના બાકીના ફરાર 6 આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

(8:41 PM IST)