<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

જસદણના કોઠી ગામમાં ગુમ થયેલ પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર

મોડી રાત્રે અચાનક ઘરેથી ગુમ થયા હતા :પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી:વહેલી સવારે ઘરની બાજુમાં વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

રાજકોટના જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરણિત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક કાજલબેન મોડી રાત્રે ઘરેથી ગુમ થયા હતા. આજે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાં શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાને લઈને પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા કાજલબેન ગઈ મોડી રાત્રે અચાનક ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાં કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ, ASP, SOG, LCB અને FSLની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કવોડની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા અને વિવિધ વસ્તુઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસ હાલમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. કાજલબેનનું મોત આત્મહત્યાના કારણે થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ અને તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

(11:29 PM IST)