News of Tuesday, 16th June 2026
કચ્છમાં છાંટાઃ પ્રિમોન્સુન એકટીવીટીઃ સોૈરાષ્ટ્રમાં પવનના સૂસવાટા
આખો દિવસ અસહ્ય ઉકળાટ યથાવતઃ ધુપ-છાંવઃ મિશ્ર વાતાવરણનો અનુભવ રણકાંધી, મુન્દ્રા અને નખત્રાણામાં ઝરમર વરસાદથી ખેડૂતો ખુશ

રાજકોટ તા.૧૬: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા સાથે મિશ્રરૂતુનો અહેસાસ થઇ રહયો છે અને આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ રહે છે. કચ્છમાં પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઇ છે અને અમુક વિસ્તારોમાં છાંટા પડયા છે.
કચ્છ
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ કચ્છમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. જેનાથી કાળઝાળ ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં નવા વાવેતરની આશ જાગી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાત્રિના સમયે કચ્છના રણકાંધી વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. રણની ધરા પર પડેલા વરસાદના ટીપાથી માટીની સુગંધ મહેકી ઉઠી હતી.
આજે સવારના સમયે મુન્દ્રા તાલુકાના રતડીયા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. થોડીવાર માટે રસ્તા ભીના થઈ ગયા હતા.
આ ઉપરાંત નખત્રાણા તાલુકાના અમુક ગામડાઓમાં પણ આજે ઝરમર વરસાદી ઝાપટા નોંધાયા હતા. એકસરખો વરસાદ ન પડતા છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદની નોંધ કરવામાં આવી છે.
કચ્છમાં ચોમાસાની શરૂઆત પહેલાના આ ઝાપટાને ‘મોંઘેરા ટીપા' કહેવાય છે. પ્રિ-મોન્સૂનના વરસાદથી ખેતરની ભેજ વધે છે અને વાવેતર માટે જમીન તૈયાર થાય છે. તલ, બાજરી અને જુવારનું વાવેતર કરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન છે.
હવામાન વિભાગે આગામી ૨-૩ દિવસ કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શકયતા વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોને કારણે આવી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે. સત્તાવાર ચોમાસુ ૨૦ જૂન બાદ કચ્છમાં પ્રવેશ કરે તેવી શકયતા છે.
હાલ વરસાદ એકદમ હળવો હોવાથી જનજીવન પ્રભાવિત થયું નથી, પરંતુ ગરમીથી રાહત ચોક્કસ મળી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ચોમાસાના વિલંબ વચ્ચે ભાવનગરમાં તાપનો પ્રકોપ વધ્યો છે.
સોમવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૮.૩ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૩%રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૬.૫ ડિગ્રી, લઘુતમ ૨૮.૨, ભેજ ૭૧ ટકા અને પવનની ઝડપ ૧૫.૮ કિ.મી. રહી હતી
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
