<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને ગંભીર આક્ષેપોનો દોર શરૂ

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ સામે પાર્ટીના જ ઉપપ્રમુખ એડવોકેટ ધીરુભાઈ કુંભાણીએ નાણાકીય ગેરરીતિનો ગંભીર આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક જૂથબંધી અને ગંભીર આક્ષેપોનો દોર શરૂ થયો છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલ સામે પાર્ટીના જ ઉપપ્રમુખ એડવોકેટ ધીરુભાઈ કુંભાણીએ નાણાકીય ગેરરીતિનો ગંભીર આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

 

મળતી માહિતી મુજબ, ધીરુભાઈ કુંભાણીએ આ અંગે 10 જૂનના રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને એક સત્તાવાર પત્ર લખીને ફરિયાદ કરી છે. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પાર્ટી દ્વારા દરેક તાલુકા માટે 25-25 હજાર રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. આ સમગ્ર ફંડની રકમ જિલ્લા પ્રમુખ અમિત પટેલના ખાતામાં જમા કરાવવામાં આવી હતી.

 

 

આક્ષેપ છે કે, જિલ્લાના કુલ નવ તાલુકાઓ પૈકી ચાર તાલુકાના ફાળવાયેલા આ ફંડના નાણાં તાલુકા પ્રમુખો સુધી પહોંચાડવાને બદલે અમિત પટેલે પોતાની પાસે રાખી લીધા છે અને તેનો અંગત ઉપયોગ કર્યો છે. પક્ષના ફંડના નાણાંમાં આ પ્રકારની ગોલમાલ થતા જિલ્લા કોંગ્રેસના અન્ય આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધીરુભાઈ કુંભાણીએ લેખિત ફરિયાદ કરતા હવે જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક યુદ્ધ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. આ ગંભીર આક્ષેપો બાદ હવે પ્રદેશ મોવડી મંડળ શું પગલાં લે છે, તે જોવું રહ્યું.

(2:26 PM IST)