<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જસદણના કોઠી ગામે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનું કારસ્તાન ઝડપાયું : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અશોકભાઈ સાપરાને દબોચ્યો : જુઓ વિડીયો

પ્રેમી અશોકભાઈ રણછોડભાઈ સાપરાએ જ કાજલબેનની કરપીણ હત્યા કરી લાશ કેળાના ઝાડ પર લટકાવી દીધી હોવાનો પર્દાફાશ : મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તીના નેતૃત્વમાં જસદણ પોલીસે ખોલ્યો ભેદ

રાજકોટ:રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામે કેળાના ઝાડ સાથે સાડી વડે લટકતી હાલતમાં મળેલી એક સ્ત્રીની લાશના ચકચારી મામલામાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં કાયદાકીય કથિત અકસ્માત મોત (આત્મહત્યા) ના નાટકનો પર્દાફાશ કરી હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો છે. આ સમગ્ર ઓપરેશન રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) ના શરીર સબંધી ગુનાઓ આચરતા ગુનેગારોને ત્વરિત ઝડપી પાડવાના ખાસ માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવર્તી (IPS) જસદણ વિભાગના સીધા સુપરવિઝનમાં પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી હત્યારા પ્રેમી અશોકભાઈ રણછોડભાઈ સાપરાને દબોચી લીધો છે.

મોડી રાત્રે કાજલબેન ગુમ થતાં પરિવારે શોધખોળ આદરી હતી

ઘટનાની વિગત એવી છે કે તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ સવારે કોઠી ગામના વલ્લભભાઇ સોલંકીએ જસદણ પોલીસ સ્ટેશને ફોન દ્વારા માહિતી આપી હતી કે કોઠી ગામે રામાપીરના મંદિર સામે વાડીમાં કેળાના ઝાડ પર એક સ્ત્રીની લાશ લટકે છે. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણજનાર કાજલબેન તા.૧૪/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રે બારેક વાગ્યે તેમના પતિ યોગેશભાઇ ધીરૂભાઇ સાપરા, સાસુ હંસાબેન અને ભત્રીજી શ્રદ્ધા સાથે ઘરની બહાર સૂતા હતા. રાત્રે અઢી વાગ્યે પતિ યોગેશભાઈની ઊંઘ ઉડતા પત્ની કાજલબેન પથારીમાં ન હોવાથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બહેન કાજલબેન, બનેવી સંજયભાઇ માલકીયા અને મિત્ર ગૌતમભાઇ પણ શોધખોળમાં જોડાયા હતા. રાત્રે ૦૫:૦૩ વાગ્યે કાજલબેનના જ મોબાઈલમાંથી મેસેજ આવ્યો હતો કે "હું તસાબાપુના ઘરે છું ત્યાં આવી જાવ", પરંતુ પરિવાર ત્યાં પહોંચતા તેઓ મળ્યા નહોતા. બાદમાં સવારે ગામના સરપંચ વલ્લભભાઇએ ઝાડ પર લાશ લટકતી હોવાની જાણ કરી હતી.

પ્રેમ પ્રકરણમાં ઝઘડો થતાં જાળ બિછાવી હત્યા કરાઈ

જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઇ તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવ અને તેમની ટીમે કાજલબેનના મોબાઇલના સી.ડી.આર., કોલ હિસ્ટરી અને લોકેશન કઢાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાજલબેન રાત્રે બે વાગ્યે કોઈને કહ્યા વગર તેમના પ્રેમી અશોકભાઈ રણછોડભાઈ સાપરાને મળવા ગયા હતા. બે કલાક સાથે વિતાવ્યા બાદ પરત ફરતી વખતે પરિવાર જાગી ગયો હોવાનું જણાતા કાજલબેન ગભરાઈને ફરી પ્રેમી અશોકભાઈ પાસે ગયા હતા અને પોતાની સાથે લઈ જવા દબાણ કર્યું હતું. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં કાજલબેન જોરથી બોલવા લાગ્યા હતા. તેમનો અવાજ દબાવવા માટે અશોકભાઈ સાપરાએ મોઢામાં કાપડનો ડૂચો ભરાવી દીધો હતો, જેનાથી શ્વાસ રૂંધાતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ અશોકભાઈએ કપડાથી ગળે ટૂંપો આપી કાજલબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ગુનાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને પચાસ મીટર દૂર કેળાના ઝાડ પર સાડી વડે લટકાવી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા કાજલબેનનો મોબાઈલ તોડીને ફેંકી દીધો હતો.

પોલીસે શંકાસ્પદ મોતના કેસને હત્યામાં બદલીને આકરી કાર્યવાહી કરી

બનાવ શંકાસ્પદ જણાતા પોલીસે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. અધિકારીઓ અને વીડિયોગ્રાફરને સાથે રાખીને સ્ત્રી પંચની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું હતું અને લાશને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ મોકલી આપી હતી. પોલીસે ડમ્પ લોકેશન અને ટાવર લોકેશનની મદદથી આરોપી અશોકભાઈ રણછોડભાઈ સાપરાને દબોચી લીધો છે. પોલીસે મરણજનારનો તૂટેલો મોબાઈલ અને આરોપીનો મોબાઈલ ફોન તથા બંનેના ઘટના વખતના કપડાં કબજે કર્યા છે. મરણજનારના પતિની ફરિયાદના આધારે જસદણ પોલીસે અશોકભાઈ સાપરા વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૨૩૮, ૨૪૧ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સફળ કામગીરી કરનાર ટીમમાં એએસપી નવીન ચક્રવર્તી, પીઆઈ જે.પી.ગોસાઇ, પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ પી.એન. ભરવાડ સહિત એએસઆઈ પ્રવીણભાઇ મેડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ, જીતેન્દ્રભાઇ, વાઘાભાઇ, રીજવાનભાઇ, સુનીલભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઇ, ભાવેશભાઇ, કનકસિંહ, રાહુલભાઇ, કિશોરભાઇ અને સંજયભાઇ જોડાયા હતા.

(7:23 PM IST)