<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ભચાઉ પાસે હોટલ નજીકથી ૧૮ લાખથી વધુના ગાંજા સાથે ઓરીસ્સાના બે શખ્સોને દબોચી લેતી એસઓજી ગાંધીધામની ટીમ : ઇન્સ્પેક્ટર બી વી બોરીસાગરની આગેવાનીમાં મોટી કાર્યવાહી : જુઓ વિડીયો

રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ અભિયાન હેઠળ રૂદ્રપ્રધાન અને પિન્ટુદાસ નામના બે ઇસમો કુલ ૧૮.૬૭ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

ગાંધીધામ: પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં માદક પદાર્થોની હેરફેર અને વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર અને વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા તેમજ આવા કેસો શોધી કાઢવા માટે પોલીસ તંત્રને ખાસ સુચનાઓ આપવામાં આવી છે.

આ સુચનાઓના આધારે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (SOG) ગાંધીધામના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી વી બોરીસાગરના જરૂરી માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં કાર્યરત હતી.

 

 રામદેવ હોટલ પાસેથી બાતમીના આધારે રેડ:

એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે નંદગામથી વરસાણા તરફ જતા નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર આવેલ રામદેવ હોટલની બાજુમાં, નંદગામ ભચાઉ પાસે બે ઇસમો પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવાની પેરવીમાં છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્યાં હાજર બે ઇસમોને ઝડપી લીધા હતા.

 

 ૩૭ કિલોથી વધુનો ગાંજો ઝડપાયો:

પોલીસે પકડાયેલા બંને ઇસમોની તલાશી લેતા તેઓના કબજા ભોગવટામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો વજન ૩૭.૧૦૦ કિલો ગ્રામ મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા ૧૮,૫૫,૦૦૦/- જેટલી થાય છે. આ જથ્થા સાથે પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓને ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

 

 પકડાયેલા આરોપીઓની વિગત:

૧. રૂદ્રપ્રધાન બાબુલાલ પ્રધાન (કુર્મી), ઉંમર વર્ષ ૨૫, રહેવાસી શેરગંઢ, તાલુકો શેરગંઢ, જીલ્લો ગંજામ, ઓરીસ્સા

૨. પિન્ટુદાસ બંસીધરદાસ દાસ, ઉંમર વર્ષ ૨૬, રહેવાસી લક્ષ્મીપુર, તાલુકો ધરાકોટ, જીલ્લો ગંજામ, ઓરીસ્સા

 

 જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની વિગત:

પોલીસ રેડ દરમ્યાન આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧૮,૬૭,૦૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:

  ગાંજો: વજન ૩૭.૧૦૦ કિલો ગ્રામ (કિંમત રૂપિયા ૧૮,૫૫,૦૦૦/-)

  મોબાઈલ ફોન: નંગ-૦૨ (કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-)

  એલ્યુમીનીયમના ડબા: નંગ-૦૨ (કિંમત રૂપિયા ૧,૦૦૦/-)

  રોકડા રૂપિયા: ૧,૦૨૦/-

  આધારકાર્ડ: નંગ-૦૧ (કિંમત રૂપિયા ૦૦/-)

  મેણીયા પ્લાસ્ટીકના થેલા: નંગ-૦૨ (કિંમત રૂપિયા ૦૦/-)

  અન્ય સાહિત્ય: એક રેલ્વે ટીકીટ અને ખાલી ટેપ (કિંમત રૂપિયા ૦૦/-)

 

આ સફળ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી વી બોરીસાગર તથા એસઓજીનો તમામ સ્ટાફ જોડાયેલો હતો અને નશાના કારોબારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં સફળતા મેળવી છે.

(7:32 PM IST)