તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 16th June 2026
જામનગર મનપામાં જન્મ-મરણના દાખલાને લઈને લોકોની હાલાકી : વિપક્ષી કોર્પોરેટર જેનબ ખફીએ ઉઠાવ્યા સવાલ
સમસ્યાના મૂળ કારણો દૂર કરવા અને નાગરિકોને સરળ સેવા પૂરી પાડવા માટે જરૂરી સુવિધા ઉભી કરવી જોઈએ

જામનગર: જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલાઓ મેળવવા માટે નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને વિપક્ષી કોર્પોરેટર જેનબ ખફીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા સામાન્ય જન્મના દાખલાઓ હાલમાં અનેક જગ્યાએ માન્ય ગણાતા નથી અને વિવિધ સરકારી તેમજ અન્ય પ્રક્રિયાઓ માટે CRS (Civil Registration System) નો દાખલો ફરજિયાત માંગવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે CRS જન્મનો દાખલો મેળવવા માટે નાગરિકોને મહાનગરપાલિકાની બહાર અન્ય કેન્દ્રો પર જવું પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેનો બોજ વધે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડે છે.
વિપક્ષી કોર્પોરેટરે માંગણી કરી છે કે નાગરિકોની સુવિધા માટે જામનગર મહાનગરપાલિકા કચેરીમાં જ CRS સેન્ટર શરૂ કરવામાં આવે, જેથી જન્મ અને મરણના દાખલાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી શકે. આ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ અને જનકલ્યાણ શિબિર જેવા કાર્યક્રમો મારફતે વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નાગરિકોને જન્મ-મરણના દાખલા માટે અલગ-અલગ સ્થળોએ જવાની ફરજ પડવી એ સુશાસનની ભાવનાને અનુરૂપ નથી.
જેનબ ખફીએ જણાવ્યું હતું કે સમસ્યાના મૂળ કારણો દૂર કરવા અને નાગરિકોને સરળ સેવા પૂરી પાડવા માટે જરૂરી સુવિધા ઉભી કરવી જોઈએ. તેમણે મહાનગરપાલિકા તંત્રને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરીને ત્વરિત નિર્ણય લેવા અપીલ કરી છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
