<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

કચ્છના મુન્દ્રામાં માનસી સર્કલ નજીક કન્ટેનર ટ્રક નીચે આવી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત

અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટી :પોલીસ કાફલાએ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી

કચ્છ જિલ્લામાં હાઇવે અને સ્થાનિક માર્ગો પર અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. મુન્દ્રા વ્યસ્ત એવા માનસી સર્કલ નજીક એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી એક બેફામ કન્ટેનર ટ્રકની નીચે આવી જતાં એક અજાણ્યા વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ભારેખમ વ્હીલ નીચે આવી જતાં આ વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાના પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

અકસ્માતની આ ભયાનક ઘટના અંગે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદો-વ્યવસ્થા તેમજ ટ્રાફિકની સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તુરંત જ મૃતકના મૃતદેહને કબજે કરી, ઓળખ વિધિ હાથ ધરીને તેને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ  માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.

આ અકસ્માત કન્ટેનર ચાલકની ગફલતના કારણે થયો કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સમગ્ર બનાવ અંગેની વધુ તપાસ શરૂ કરી છે. જો કે, મુન્દ્રા જેવા હેવી ટ્રાફિક ધરાવતા ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર થતા જીવલેણ અકસ્માતોના કારણે સ્થાનિક તંત્રની કામગીરી અને માર્ગ સલામતીના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.

(12:18 AM IST)