<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

જુનાગઢમાં ૫૦ થી વધુ ખેડૂતોને ખરીફ ઋતુના મિશ્રપાકના નિદર્શન અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજ.ને.ફા.સા.યુ., અમરેલી દ્વારા સુડાવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનુ આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૧૭: ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્‍સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડો.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિગ, ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્‍સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર સુડાવડ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કોલેજના આચાર્યશ્રી ડો. એસ. પી. દેશમુખના માર્ગદર્શન હેઠળ તા. ૧૫/૦૬/૨૦૨૬ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં વરસાદ આધારિત ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્‍પાદન મેળવવા માટેની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમ દરમિયાન મિશ્ર પાક પદ્ધતિ અંગે નિદર્શન આધારિત તાલીમ આપવામાં આવી હતી.

તાલીમમાં કોલેજના મદદનીશ પ્રાધ્‍યાપક ડો. કે. વી. મસાલીયા અને કુ. આર. એચ. વઘાસિયા તેમજ ખેતી અધિકારી શ્રી બી. એમ. મોદી અને કુ. યુ. એન. ડોડીયાએ ૫૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્‍ય આયામો  બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્‍છાદન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્‍યું હતું. ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિ દ્વારા એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરી જમીનની ફળદ્રુપતા જાળવવા, જીવાત-રોગના ઉપદ્રવને ઘટાડવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

(1:37 PM IST)