<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ત્રણ દિવસથી ગૂમ કોટડાસાંગાણીના વૃધ્‍ધની વોંકળામાંથી કોહવાઇ ગયેલી લાશ મળી

પાંસઠ વર્ષના શત્રુઘ્‍નભાઇ મુળ બિહારના વતનીઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાયું

 

રાજકોટ તા. ૧૬: કોટડાસાંગાણીમાં આવેલી કંપનીની ઓરડીમાં પરિવાર સાથે રહેતાં મુળ બિહારના વૃધ્‍ધ ત્રણ દિવસ પહેલા ગૂમ થઇ જતાં પરિવારજનો દ્વારા શોધખોળ થઇ રહી હતી. દરમિયાન આ વૃધ્‍ધની કોહવાયેલી લાશ કંપનીની પાછળના ભાગે આવેલા વોંકળામાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ કોટડાસાંગાણીમાં આવેલી ડોમીનીયર મેટટેક કંપની પાસે ઓરડીમાં રહેતાં મુળ બિહારના શત્રુઘ્‍નભાઇ તોમલભાઇ બીન (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધ ત્રણ દિવસ પહેલા ઓરડીએથી નીકળ્‍યા બાદ ગાયબ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગઇકાલે આ વૃધ્‍ધની લાશ કંપનીની પાછળના ભાગે આવેલા વોંકળામાંથી મળી આવતાં પોલીસ દોડી ગઇ હતી.

લાશ કોહવાઇ ગઇ હોઇ જરૂરી કાર્યવાહી બાદ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ હતી. અહિ તેમનું મોત હાર્ટએટેકથી થયાનો રિપોર્ટ આવ્‍યો હતો. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ હાલ નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે જે કંપનીમાં કામ કરે છે. પોતે ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળ્‍યા બાદ ગાયબ થઇ ગયા હતાં. વોંકળા તરફ ગયા ત્‍યારે કદાચ તડકામાં ચક્કર આવતાં કે હાર્ટએટેક આવતાં પડી ગયા બાદ ત્‍યાં જ લાશ પડી રહી હોઇ કોહવાઇ ગઇ હોવાનું તારણ નીકળ્‍યું હતું. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(10:57 AM IST)