<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

જૂનાગઢમાં પ્રિ-મોન્‍સૂનની એન્‍ટ્રીઃ કેશોદ, માંગરોળ, વંથલી-માળિયામાં વરસાદી ઝાપટાં, ગરમીથી રાહત

કાળાડિબાંગ વાદળો અને ઠંડા પવનથી વાતાવરણ ગોરંભાયું, ઉકળાટ બાદ લોકોએ લીધો રાહતનો શ્વાસ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૭ : રાજ્‍યમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે ત્‍યારે જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી જ પ્રિ-મોન્‍સૂન માહોલ જામ્‍યો હતો. કેશોદ, માંગરોળ, વંથલી અને માળિયા હાટડી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ધીમી ધારે વરસાદી ઝાપટાં વરસી પડ્‍યા હતા.

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્‍ત લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્‍યો. સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું અને ઠંડો પવન ફૂંકાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

તાલુકાવાર વરસાદી સ્‍થિતિ

કેશોદ શહેર ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારના શેરગઢ સહિતના ગામોમાં સવારથી જ હળવા ઝાપટાં પડ્‍યા હતા. વાતાવરણમાં ઠંડક આવતા લોકોને ગરમીથી રાહત મળી. તાલુકાના હાઇવે પરના મહત્‍વના કેન્‍દ્ર ગડુ શેરબાગ અને આસપાસના વિસ્‍તારોમાં વરસાદી છાંટા પડતા રસ્‍તાઓ ભીના થયા હતા.

 પ્રખ્‍યાત પ્રવાસન સ્‍થળ ચોરવાડ અને માંગરોળના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સવારથી જ વાદળછાયું આકાશ અને પવન સાથે વરસાદી એન્‍ટ્રી થઈ હતી. વંથલી તાલુકાના મોટા કાજલીયારા ગામે પણ સવારે ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્‍યું હતું.

લાંબા સમયના ઉકળાટ બાદ વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેડૂતો અને સ્‍થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટી ચાલુ રહેવાની શકયતા વ્‍યક્‍ત કરી છે. 

(11:25 AM IST)