<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

કેશોદ-જુનાગઢ-ગોંડલમાં ઝાપટા : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટા

ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનનાં એંધાણ વર્તાયાઃ સર્વત્ર મિશ્ર હવામાન યથાવત

ગોંડલ : સવારે વાદળછાંયુ વાતાવરણ ગોંડલમાં છવાયુ હતુ અને ઝાપટુ પડયું હતું. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

રાજકોટ, તા., ૧૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે. આવા સમયે આજે કેશોદ, જુનાગઢ, ગોંડલમાં વરસાદી ઝાપટા પડયા હતા.

સર્વત્ર પવનના સૂસવાટા સાથે મિશ્ર હવામાન યથાવત છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ અત્રે છેલ્લા કેટલાય દિવસથી ભારે બફારો અને ઉકળાટ બાદ આજે સવારે વરસાદી ઝાપટુ પડેલ હતું.

આજે સવારના ૭.૩૦ વાગ્‍યાના અરસામાં એકાએક વરસાદ શરૂ થયેલ હતો. જે લગભગ પાંચથી દસ મિનીટ જેવો સમય ચાલુ રહેતા મકાનની અગાસીઓ પરથી પાણીના ધોરીયા શરૂ થઇ ગયેલા હતા. વરસાદના કારણે રોડ ભીંજાતા છેલ્લા કેટલાક દિવસથી ઉડતી ધૂળની ડમરી હાલ તુર્ત સમી જવા પામેલ છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા સવારે અમુક વિસ્‍તારોમાં છાંટા વરસતા લોકોએ રાહત અનુભવી હતી.સોમવારથી ચોમાસાનો સતાવાર પ્રારંભ થઈ ચૂકયો છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાય છે પરંતુ મેઘરાજાની પધરામણી થતી નથી. આ દરમિયાન આજે સવારે ૯ વાગ્‍યા પછી જુનાગઢ અને તેની આસપાસના વિસ્‍તારોના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. જેના પગલે હળવા વરસાદના છાંટા વરસતા થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

પરંતુ મેઘરાજાએ જમાવટ નહીં કરતા ફરી બફારાનો સામ્રાજ્‍ય છવાઈ ગયું હતું.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : મહતમ તાપમાન ૩૭ ડીગ્રી, લઘુતમ ર૮, ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૧૩.પ કી.મી. રહી હતી. 

 

(1:41 PM IST)