<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

અમરેલી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરમાં નશામુક્‍ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમ

કોઠારી સંત પૂ. સાધુચરિત સ્‍વામી, શિક્ષણ મંત્રી પ્રધ્‍યુમનભાઈ વાજા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્‍થિતિ : ૩૦૦ જેટલાં યુવક-યુવતીઓએ ઉપસ્‍થિત રહી “mybhart” પોર્ટલ ઉપર નશામુક્‍ત રહેવાની ઇ-પ્રતિજ્ઞા લઈને ઇ-સર્ટિફિકેટ મેળવ્‍યા

(અરવિંદ નિમેળ દ્વારા)અમરેલી તા.૪: પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજે પોતાના જીવનકાળ દરમ્‍યાન વ્‍યસનમુક્‍તિના કાર્યને અતિ મહત્‍વ આપ્‍યું છે. BAPS સંસ્‍થા દ્વારા યોજાયેલા સમૈયા ઉત્‍સવોમાં પણ વ્‍યસન મુક્‍તિ કૂટીર, વ્‍યસન મુક્‍તિ યજ્ઞના માધ્‍યમોથી હજારો લોકોને વ્‍યસન મુક્‍ત કરી સન્‍માર્ગે વાળ્‍યા છે.

ભારત સરકારશ્રીના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ તથા નશામુક્‍ત યુવા ફોર વિકસિત ભારત નો પ્રારંભ થયો છે. જેમાં BAPS સંસ્‍થાને ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે.આ કાર્યક્રમ સમગ્ર ભારત દેશમાં જુદા જુદા ૧૦,૦૦૦ થી વધુ સ્‍થાનોમાં યોજાયેલ. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ચ્‍યુલ માધ્‍યમથી દેશના યુવાઓને સંબોધન કર્યું હતું.

જેના ભાગરૂપે  BAPS સ્‍વામિનારાયણ મંદિર, અમરેલી મુકામે કોઠારી સંત પૂ. સાધુચરિત સ્‍વામી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રધ્‍યુમન ભાઈ વાજા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્‍થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચલો તોડ દે યે બંધન વિડીયો શો ના માધ્‍યમથી વ્‍યસન મુક્‍તિનો સંદેશ પ્રસરાવવા માં આવ્‍યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત પૂ. સાધુચરિત સ્‍વામીએ વ્‍યસન મુક્‍તિ દ્વારા સમાજ સેવાનો ઉત્તમ સંદેશ પાઠવ્‍યો હતો. ઉપસ્‍થિત માન.મંત્રીશ્રીઓએ BAPS સંસ્‍થાની આ સમાજ સેવાને બિરદાવી, યુવાઓને નશામુક્‍ત રહીને વિકસિત ભારતમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં ૩૦૦ જેટલાં યુવક-યુવતીઓએ ઉપસ્‍થિત રહી “mybhart” પોર્ટલ ઉપર નશામુક્‍ત રહેવાની ઇ-પ્રતિજ્ઞા લઈને ઇ-સર્ટિફિકેટ મેળવ્‍યા હતા.

(10:20 AM IST)