તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
જૂનાગઢ PM કેન્દ્રીય વિદ્યાલયનું બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ બનાવનાર પિતા-પુત્રી સામે ગુનો દાખલ
કોરી ટી.સી. બુકમાંથી ખોટી સહી-સિક્કા કરી દસ્તાવેજ ખરા તરીકે ઉપયોગમાં લેતા એફઆઈઆર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૦૪: જૂનાગઢ સ્થિત ખામધ્રોડ રોડ પર આવેલી ‘શ્રી પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય'માંથી શાળાનું બોગસ ટ્રાન્સફર સર્ટિફિકેટ (ટી.સી.) બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાના ગંભીર મામલે પિતા અને પુત્રી સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ બનાવ અંગે શાળાના આચાર્ય રજનીકાંત સોમાભાઈ સુતરીયા દ્વારા વિજયપુર ગામના રહીશ મનીષભાઈ બાલુભાઈ મોરવાડીયા અને તેમની પુત્રી જહલબેન મનીષભાઈ મોરવાડીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, આરોપીઓએ શાળામાંથી અગાઉ ગુમ થયેલ કોરી ટ્રાન્સફર સર્ટિફિકેટ (ટી.સી.) બુકલેટમાંથી સર્ટિફિકેટ મેળવી લીધું હતું.
ત્યારબાદ તેમાં વિદ્યાર્થીની જહલબેન શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ-૧૧ પાસ થયેલ હોવાની તથા વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હોવાની ખોટી વિગતો દર્શાવી હતી. એટલું જ નહીં, શાળાના રેકોર્ડ સાથે છેડછાડ કરી વિદ્યાર્થીનીના હાજરીના દિવસો તેમજ વિષયોમાં પણ ગેરરીતિ પૂર્વક ફેરફાર કરાયા હતા. આ બોગસ ટી.સી. પર શાળાના અધિકારીઓ, કર્મચારીઓની બોગસ સહીઓ અને બનાવટી સિક્કાઓ લગાવીને દસ્તાવેજ ખરા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
વાસ્તવિકતામાં જહલબેન મોરવાડીયા વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૧૧માં નાપાસ (ફેઈલ) થયા હતા અને શાળા દ્વારા તેમને નિયમ મુજબ નાપાસનું ટી.સી. ઇશ્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ આગળ અભ્યાસ મેળવવાના કે દર્શાવવાના ઇરાદાથી આ બોગસ સર્ટિફિકેટ તૈયાર કરાયું હોવાનું સામે આવ્યું છે.
શાળા પ્રશાસન અને કચેરીની તપાસ કમિટી દ્વારા રેકોર્ડ પર ખરાઈ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
