તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 4th August 2026
જુનાગઢના પૂર્વ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની રાષ્ટ્રપતિની કાયમી આઇપીએસ તરીકે મંજુરી
ગુજરાત પોલીસ માટે ગોૈરવની ઐતિહાસિક ક્ષણઃ ૨૩ અધિકારીઓને મળ્યુ સર્વોચ્ય સન્માન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪: ગુજરાત પોલીસ તંત્ર માટે ગૌરવ અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત કેડરના કુલ ૨૩ આઈપીએસ અધિકારીઓને કાયમી ભારતીય પોલીસ સેવા (IPS) તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યાદીમાં જુનાગઢ જિલ્લાના પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પોતાની નિડરતા, કડક વહીવટ, પારદર્શક કામગીરી અને કાયદા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા માટે જાણીતા બનેલા શ્રી હર્ષદ મહેતાનું નામ પણ સામેલ છે. રાષ્ટ્રપતિની આ મંજૂરીને ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે હર્ષદ મહેતાએ ફરજ બજાવેલી હતી જે આજે પણ લોકોના મનમાં તાજી છે. તેમની ઓળખ માત્ર એક પોલીસ અધિકારી તરીકે નહીં, પરંતુ કાયદાના શાસનને સર્વોપરી માનતા, નિર્ભય નિર્ણયો લેતા અને ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવનાર અધિકારી તરીકે ઊભી થઈ હતી. તેમના નામથી જ ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાતો હતો, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બનતી હતી.
તેમના કાર્યકાળ દરમિયાન જુનાગઢ જિલ્લામાં ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવા માટે સતત ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અસામાજિક તત્વો, બુટલેગરો, જુગારના અડ્ડાઓ, ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તંત્રને વધુ સજ્જ, જવાબદાર અને પ્રજાલક્ષી બનાવવા માટે તેમણે અનેક અસરકારક નિર્ણયો લીધા હતા. જનતા સાથે સીધો સંપર્ક, ફરિયાદોના ઝડપી નિકાલ અને પારદર્શક વહીવટને કારણે તેઓ લોકપ્રિય અધિકારી તરીકે ઉભરી આવ્યા હતા. જુનાગઢમાં ફરજ બજાવતી વખતે તેમણે પોલીસ વિભાગમાં શિસ્ત, જવાબદારી અને કાર્યક્ષમતાને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નાગરિકોની સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર શાંતિ જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા. અનેક સંવેદનશીલ પરિસ્થિતિઓમાં પણ તેમણે શાંતિપૂર્ણ અને અસરકારક રીતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી.
હર્ષદ મહેતાએ અગાઉ પોતાના પદ પરથી ઓચિંતું રાજીનામું આપતા સમગ્ર ગુજરાતમાં તેની વ્યાપક ચર્ચા થઈ હતી. તેમના રાજીનામાને લઈને વિવિધ પ્રકારની અટકળો ચાલી હતી, પરંતુ આજે રાષ્ટ્રપતિ દ્વારા કાયમી IPS તરીકે મળેલી મંજૂરી તેમના લાંબા સમયના સમર્પિત કાર્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાની નોંધ તરીકે જોવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્વારા મળેલી આ કાયમી મંજૂરી સાથે હર્ષદ મહેતાની કારકિર્દીમાં એક વધુ ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ સ્થાન મળશે અને રાજ્યના પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા માટે આ પગલું સકારાત્મક સાબિત થશે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
